વાંકાનેર, તા.૮
રાજકોટની લેડીડોન તરીકે કુખ્યાત મહિલા બુટલેગર સોનુ ડાંગરે સોશ્યલ મીડિયામાં વોટસએપ દ્વારા નશામાં ધૂત બની ઈસ્લામના મહાન પયગમ્બર વિરૂદ્ધ અશોભનીય, અતિનિમ્નકક્ષામાં, કૌમો વચ્ચે વૈમનસ્ય ઉપજાવે તેવા અભદ્ર શબ્દોનો પ્રયોગ કરતા તે વીડિયો ક્લિપ વધુને વધુ વાયરલ થઈ રહેલ હોઈ, તે વિરૂદ્ધ મુસ્લિમ સમૂદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સોનુ ડાંગરને પદાર્થપાઠ રૂપી સજા મળે તેમજ તેની ધરપકડની માગણીઓ સાથે વાંકાનેરમાં શુક્રવારે જુમ્આની નમાઝ બાદ ગ્રીન ચોક ખાતેથી સૂત્રોચ્ચાર સાથે એક રેલીનું આયોજન કરાયું હતું. જે રેલી નાયબ મામલતદાર, નાયબ કલેકટર, સેવા સદન કચેરી ખાતે પહોંચી તેઓને આવેદન પાઠવ્યું હતું અને રેલીમાં હાજર રહેલા મોટી સંખ્યાના લોકોની સહીઓવાળા કાગળો આવેદનપત્ર સાથે ઈન્ચાર્જ નાયબ કલેકટરને સોંપતા મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમામદભાઈ બ્લોચ, મહામંત્રી મહંમદભાઈ રાઠોડ, વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદા, શકીલ પીરઝાદા, નગરપાલિકાના સદસ્યો, ઝાકીર બ્લોચ, સલીમ મેસાણિયા, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શબીર મોમીન, ગફારભાઈ મંત્રી, કસ્બા તથા મદીના મસ્જિદના પેશ ઈમામો સહિત વિવિધ વિસ્તારના મુસ્લિમ આગેવાનોએ હાજર રહી સોનુ ડાંગર વિરૂદ્ધ કાયદાકીય રીતે કડક હાથે કામ લઈ, આ બનાવ અંગે સરકાર ફરિયાદી બને તેવી માગણી ઉઠાવી હતી.
બાદમાં વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં આવેદનની કોપી સાથે લેખિત ફરિયાદ આપવામાં આવી છે અને સોનુ ડાંગર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવા અને તેની ધરપકડ કરવા, વાંકાનેર શહેર પો.અધિકારી પીઆઈ ચંદ્રાવાડિયા સાથે રૂબરૂ માગણી કરવામાં આવી છે. આ સમયે વાંકાનેર મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમામદભાઈ બ્લોચ, મહંમદભાઈ રાઠોડ સહિત અન્ય મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા.