(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૧
ઈસ્લામી મહિનાનો પ્રથમ મહિનો એટલે કે મુસ્લિમોના પવિત્ર મોહર્રમ માસનો આવતીકાલ તા.૧ર-૯-૧૮ને બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે. સોમવારના રોજ ર૯મો ચાંદ ન દેખાતા કે શરઈ ગવાહી પણ ન મળતા ૩૦મા ચાંદના હિસાબે મોહર્રમનો પહેલો ચાંદ આવતીકાલ બુધવારે ગણાશે. એ મુજબ યૌમે આશૂરા તા.ર૧-૯-૧૮ને શુક્રવારે મનાવવામાં આવશે. એમ ગુજરાત ચાંદ કમિટીના પ્રમુખ મુફતી શબ્બીર અહેમદ સિદ્દીકીએ જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈસ્લામી વર્ષનો પ્રથમ માસ મોહર્રમ અને આખરી મહિનો ઝીલહજ કુરબાનીનો સંદેશો આપે છે. આથી મુસલમાનોએ આ મહિનાઓ પરથી બોધપાઠ લઈ શહીદે આઝમ હઝરત ઈમામ હુસેન (રદીઅલ્લાહુ ત્આલા અન્હુ) અને હઝરત ઈબ્રાહીમ (અલયહિસ્સલામ) અને હઝરત ઈસ્માઈલ (અલયહિસ્સલામ)ની સુન્નતો પર અમલ કરવો જોઈએ. એટલે કે અન્યાય સામે કદી ઝુકવું નહીં ઉપરાંત જરૂર પડે તો અલ્લાહની રાહમાં કુરબાન થતા પણ અચકાવવું જોઈએ નહીં. હઝરત ઈમામ હુસેન અને તેમના ૭ર જાંનિસાર સાથીઓએ યઝીદ જેવા ઘમંડી, સત્તાલાલચુ અને ઐયાશ બાદશાહ સામે ન ઝુકી તેની ખિલાફત ન સ્વીકારી શહીદ થવાનું વધારે પસંદ કર્યું અને યઝીદના રર હજારના સશસ્ત્ર લશ્કર સામે ૭ર જાંનિસારોએ છેલ્લા શ્વાસ સુધી લડતા રહી શહીદી વ્હોરી ઈસ્લામને બચાવી ઈસ્લામના પરચમને હંમેશા માટે બુલંદ કરી દીધો. આ મહાન શહીદોની યાદમાં ૧૦ મોહર્રમનો દિવસ યૌમે આશૂરા તરીકે મનાવવામાં આવે છે. આથી આજરોજ ચાંદ દેખાતા જ મસ્જિદો, મહોલ્લાઓ, સોસાયટીઓ, શેરી કે પોળોમાં દસ દિવસ સુધી શહીદોની યાદમાં તકરીરના તથા કુર્આનખ્વાનીના કાર્યક્રમો શરૂ થઈ જશે.
આજથી ઈસ્લામી નવા વર્ષ મોહર્રમનો પ્રારંભ : યૌમે આશૂરા ર૧મીએ મનાવાશે

Recent Comments