(એજન્સી) અસ્તાના, તા.૧૧
કઝાકિસ્તાનના અસ્તાનામાં ઈસ્લામિક વિશ્વમાં યોજાયેલ પહેલી વિજ્ઞાન, ટેકનોલોજી, નવીનીકરણ અને આધુનિકીકરણની ઈસ્લામિક સમિતિમાં કિંગ સલમાને જણાવ્યું કે, ઈસ્લામિક દેશોએ જ્ઞાનને ફરીથી સક્રિય બનાવવાની જરૂરિયાત છે. ઈસ્લામિક કોર્પોરેશનની સંસ્થા દ્વારા જ્ઞાન અને વિજ્ઞાનના મહત્ત્વના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. કિંગ સલમાનને બદલે આરંભના તબક્કામાં વકતા તરીકે બોલનાર ઉદ્યોગ અને કુદરતી સંસાધન મંત્રી ખાલિદ અલ-ફલિહે જણાવ્યું કે, ઈસ્લામિક દેશો વિશ્વમાં સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, આ પડકારનો સામનો કરવા માટે, દેશનો આર્થિક સુધારો કરવા માટે તથા સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે આ દેશોએ જ્ઞાનમાં વધારો કરવાની જરૂરિયાત છે, જેથી મુશ્કેલીઓનો સામનો કરી શકાય.
અલ-ફલિહે વધુમાં જણાવ્યું કે, કોઈ પણ બાબતમાં સક્રિયતા કેળવવા માટે મુખ્યત્વે ચાર પાયાની જરૂરિયાતો છે, જેમાંનો એક છે શૈક્ષણિક વિકાસ. જેના આધારે નવીનીકરણને પ્રોત્સાહન મળે છે, વિચારસરણીમાં બદલાવ આવે છે. બીજી પાયાની જરૂરિયાત છે, વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંશોધનની અને ખાનગી તથા જાહેર ક્ષેત્રમાં નાણાકીય જોગવાઈની. ત્રીજી પાયાની જરૂરિયાત છે, વૈજ્ઞાનિક અને ટેકનિકલ સંશોધન દ્વારા આર્થિક મૂલ્યોમાં વધારો કરવાની તથા અંતિમ પાયાની જરૂરિયાત છે, એક જ દેશમાં અને બે દેશો વચ્ચે તથા આખા વિશ્વની વચ્ચે કોર્પોરેશન અને એકીકરણની સ્થાપના કરવાની. જેના દ્વારા વિશ્વના દેશો સાથે સરળતાથી જોડાઈ શકાય અને બે દેશો વચ્ચે તથા વિશ્વના દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવી શકાય.