(એજન્સી) કુઆલાલુમ્પુર, તા.૨૧
ઈસ્લામિક પાર્ટીએ વાર્ષિક બિયર ફેસ્ટિવલનો વિરોધ કર્યો હતો. જેના લીધે મલેશિયાના સત્તાધીશોએ બિયર ફેસ્ટિવલનું આયોજન રદ કર્યું હતું. આ ફેસ્ટિવલનું આયોજન દેશની રાજધાનીમાં ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયાના અંત ભાગમાં કરવામાં આવ્યું હતું.
ચીની અને ભારતીય લઘુમતી ધરાવતા દેશમાં બિયર પીનારા લોકો પુષ્કળ પ્રમાણમાં છે, તેમ છતાં આ ફેસ્ટિવલનો વિરોધ થયો હતો કારણ કે આવા કોન્સર્ટ અને ફેસ્ટિવલમાં માદક પીણાનો પણ સમાવેશ થાય છે, જે મુસ્લિમ બહુમતી ધરાવતા મલેશિયામાં સામાન્ય બાબત છે અને તેની આગેવાની પેન-મલેશિયન ઈસ્લામિક પાર્ટી (પાસ) કરે છે.
કુઆલાલુમ્પુર સિટી હોલ (ડીબીકેએલ)એ જણાવ્યું હતું કે, તેમણે ‘બેટર બિયર ફેસ્ટિવલ ર૦૧૭’ના આયોજકોને ફેસ્ટિવલનું આયોજન કરવા માટેની પરવાનગી માંગતી અરજીને નકારી કાઢી હતી. જો આયોજકો ડીબીકેએલની પરવાનગી વગર ફેસ્ટિવલનું આયોજન કરશે તો કાયદાનુસાર પગલાં લેવામાં આવશે.
ફેસ્ટિવલનું આયોજન કરનાર કંપની ‘માય બિયર’એ જણાવ્યું કે, ડીબીકેએલના અધિકારીઓ દ્વારા તેમને જાણ કરવામાં આવી હતી કે રાજકીય સંવેદનશીલતાના કારણે આ ફેસ્ટિવલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘પાસ’ સેન્ટ્રલ કમિટીના સભ્ય રિદુઆન મોહમ્મદ નોરે જણાવ્યું કે, આવા કાર્યક્રમો ગુનાહિત પ્રવૃત્તિઓ અને બળાત્કાર જેવી ઘટનાઓને પ્રોત્સાહિત નહીં કરે તેવી કોઈ ગેરંટી નથી. બિયર ફેસ્ટિવલના વિરોધીઓએ આ ફેસ્ટિવલ પર પ્રતિબંધ મૂકવા માટે ફેસબુક પર એક અભિયાન શરૂ કર્યું છે.
બે દિવસીય ફેસ્ટિવલમાં આશરે ૬ હજાર લોકો હાજર રહેશે તેવી શક્યતા છે, જેમાં આશરે ૧૧ દેશોમાંથી બિયર મંગાવવામાં આવી છે.