(એજન્સી) તા.૧૬
હિંસા ભડકાવવા તથા ગેરકાયદેસર સંગઠનો સાથે સાંઠ-ગાંઠ હોવાનો આરોપ મૂકી ઈઝરાયેલી સુરક્ષાદળોએ ઈઝરાયેલમાં ઈસ્લામિક ચળવળના ઉત્તરીય શાખાના નેતાની ધરપકડ કરી લીધી છે. ઈઝરાયેલી પોલીસના પ્રવક્તા લુબા અલ-સામરીએ જણાવ્યું કે જેનિન શહેરથી ઉત્તર-પશ્ચિમે ર૦ કિમીના અંતરે આવેલા ઉમ્મ અલ-ફાહમ શહેરના પાડોશી મહાજિના વિસ્તારમાં ઈઝરાયેલી પોલીસની એક મોટી ટુકડી ધસી આવી હતી અને તેમણે શેખ રાએદ સાલાહની ધરપકડ કરી હતી. સામરીએ વધુમાં ઉમેરતાં જણાવ્યું કે સાલાહની હિંસા ભડકાવવા અને આતંકવાદને સમર્થન આપવામાં ભૂમિકા છે. તેણે વધુમાં ઈસ્લામિક ચળવળના ઉત્તરીય શાખાના વડા સાલાહ પર આરોપ મૂક્યો કે તે ગેરકાયદેસર અને પ્રતિબંધિત સંગઠનો સાથે સાંઠ-ગાંઠ ધરાવે છે. જો કે મળતી માહિતી મુજબ, શંકાસ્પદ સાલાહએ કેટલાક લોકોના સમૂહને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યો હતો અને તેમના ભાષણ પૈકીના કેટલાક મહત્ત્વના મુદ્દા સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા. જો કે તેની જ નોંધ લેતા લહાવ ૪૩૩ જે ઈઝરાયેલી પોલીસ સ્પેશિયલ તપાસ ટુકડી છે તેણે સાલાહની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી છે. સામરીએ તેમની ધરપકડ બાદ જણાવ્યું કે, તેમને કેન્દ્રીય ઈઝરાયેલમાં આવેલા રિશન લેઝીઓન ખાતે આવેલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ચાલુ વર્ષે જ ૯ મહિનાની કેદની સજા ભોગવ્યા બાદ સાલાહને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પર ઈઝરાયેલ વિરોધી નફરત ફેલાવવાનો આરોપ મૂકાયો હતો. જો કે ૧૮ એપ્રિલના રોજ ઈઝરાયેલના કથિત હાઈકોર્ટના જસ્ટિસે પેલેસ્ટીનના મૌલવીની ૧૧ મહિનાની કેદની સજામાં ઘટાડો કરી ૯ મહિનાની કેદની સજા જાહેર કરી હતી અને તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.