(એજન્સી)                             તા.ર૪

ઈઝરાયેલ દ્વારા હસ્તક્ષેપ કરાયેલા પૂર્વી જેરૂસલેમમાં ઈઝરાયેલી દળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ચાલતા ઘર્ષણ દરમ્યાન ઈઝરાયેલી સૈનિકોએ પેલેસ્ટીની મહિલાને આંખમાં ગોળી મારી હતી.

ઈઝરાયેલી દળે અલ ઈસ્સાવિયામાં ગત રાત્રે દરોડા પાડી અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. સ્થાનિક કમિટિના સભ્ય મોહમ્મદ અબુ અલ હુમ્મુસે જણાવ્યું કે ફાતિમા મહેમૂદ ઓબૈદ નામની ૫૨ વર્ષીય મહિલાને રબ્બરના કવરવાળી સ્ટીલની ગોળી આંખમાં વાગી હતી. ફાતિમાના પતિ રજાબે જણાવ્યું કે તેમની પત્ની પુત્રી અને જમાઈ સાથે બાલકનીમાં બેઠા હતા ત્યારે અચાનક જ તેણે જોરદાર ચીખ પાડી.

ફાતિમાને ત્યાર બાદ પાસેના હદાસ્સાહ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ડોકટરોએ તેને દૃષ્ટિ ગુમાવી હોવાની વાત કરી હતી. માથામાં ગોળી વાગવાને લીધે ખોપડીની સર્જરી કરવી પડશે.

તેલ અવીવમાં ૪ સ્ટેબિંગના કેસ નોંધાયા હતા. પેલેસ્ટીની યુવકે સ્ટેબિંગ કરતા ૪ યુવકોને હળવી ઈજાઓ થઈ હતી.

ઈઝરાયેલી મીડિયાએ દાવો વ્યકત કરતા જણાવ્યું કે નેબલ્સના ૧૮ વર્ષીય યુવકે હાયારકોન સ્ટ્રીટ પાસે ૭૦ વર્ષીય પુરૂષ અને ૫૦ની આધેડ મહિલા પર હુમલો કર્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ પેલેસ્ટીની હુમલાવર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ઈઝરાયેલી સત્તાધિશોએ જણાવ્યું કે પેલેસ્ટીની તરૂણે રાષ્ટ્રીયવાદના જોશમાં આવીને આ કૃત્ય કર્યા હોવાનો દાવો કર્યો હતો.

ઈઝરાયેલે ૨૦૧૫ના ઓગસ્ટ મહિનામાં પૂર્વી જેરૂસલેમમાં આવેલી મસ્જિદ અલ-અકસામાં પ્રવેશ કરવા બાબતે પેલેસ્ટીની પર મૂકેલા પ્રતિબંધ બાદ હસ્તક્ષેપ વિસ્તારોમાં તંગદિલીમાં વધારો જોવા મળ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૫થી આ જ દિવસ સુધી લગભગ ઈઝરાયેલી દળે ૩૦૦થી વધુ પેલેસ્ટીનીઓની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે.

તેલ અવીવ છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર વસાહતોનું વિસ્તૃતિકરણ કરીને જેરૂસલેમ અને વેસ્ટબેંકની હકીકત બદલવા માંગે છે. તેઓ પેલેસ્ટીનનું અને ખાસ કરીને જેરૂસલેમનું યહુદીકરણ કરવા માંગે છે.

મસ્જિદે અલ-અકસા ઈસ્લામમાં ત્રીજા દરજ્જાની સૌથી મોટી મસ્જિદ છે. ઉલ્લેખનીય છે કે યહુદી સમુદાયના લોકો પણ તેને પોતાનો ધાર્મિકસ્થળ હોવાનો દાવો કરે છે.