(એજન્સી)              રામલ્લાહ, તા.૨૦

ઈઝરાયેલની મગિડો અને ઓફેરની જેલોમાં પેલેસ્ટીયન સગીરો ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે. એમની ધરપકડ કર્યા પછી પૂછપરછની વાત આગળ ધરીને એમની ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે. પેલેસ્ટાઈન કેદીઓ બાબતની કમિટીએ પોતાના રિપોર્ટમાં માહિતી આપવામાં આવી હતી. હાલમાં પેલેસ્ટીયન બાળકો અને સગીરોની ધરપકડ ઈઝરાયેલે ખૂબ જ વધારી દીધી છે. કમિટીના વકીલ લુઆમ ઉક્કાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, એમણે ઓફર જેલની મુલાકાત લીધી હતી ત્યાં એમણે જોયું કે બાળ કેદીઓમાં અતિશય વધારો થયો છે જે વધારો છેલ્લા કેટલાક મહિનાઓમાં જ થયો છે. ઓકટોબરની મધ્યમાં ૧૮ વર્ષની નીચેની ઉંમરના કેદીઓ ર૮ સુધી પહોંચી હતી જેમાંથી ૧૪ કેદીઓ તો ૧૪ વર્ષની નીચેની વયના હતા. ડીસીઆઈપીના જણાવ્યા મુજબ ઈઝરાયેલે હાલમાં વહીવટી ધરપકડ આ ઓઠા હેઠળ કોઈપણ ગુનો અથવા કાર્યવાહી ચલાવ્યા વિના સગીરોની ધરપકડો કરી છે. છેલ્લા એક વર્ષમાં ૧૯ પેલેસ્ટીયન સગીરોની ધરપકડ વહીવટી કારણો માટે કરવામાં આવી હતી. ઓકટોબર ર૦૧પ પહેલાં ઈઝરાયેલે કોઈપણ સગીર પેલેસ્ટીયનની ધરપકડ કરી ન હતી. ઓફેરની જેલમાં મુકાયેલ સગીર કેદીઓ ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે. એમણે માર મારવામાં આવે છે અને જાતીય સતામણી પણ કરવામાં આવે છે. આ પ્રકારનો ત્રાસ દરોડાઓ પાડતી વખતે પૂછપરછ કરતી વખતે ગુજારવામાં આવે છે. ગયા અઠવાડિયે ઈઝરાયેલી સેનાએ ઐદા શરણાર્થી કેમ્પમાંથી ૮ પેલેસ્ટીયન બાળકોની ધરપકડ કરી હતી. સેનાના દરોડાઓનો ભોગ સગીરો બન્યા છે. ૧૪ વર્ષીય તામીર અબુસાલેમે ઉક્કાને જણાવ્યું કે, મને એક વર્ષ પહેલાં પકડવામાં આવ્યો હતો. દરોડાઓ દરમિયાન સ્થાનિક યુવકો અને સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો અને એ પછી એને માથામાં રબ્બરની ગોળી મારવામાં આવી હતી. ધરપકડ કરતાં પહેલાં મને મુક્કાઓ પણ મારવામાં આવ્યા હતા. આટલી ગંભીર ઈજાઓ છતાં મને સારવાર આપવામાં આવતી ન હતી પણ કયારેય ફકત પેઈન કિલરની ગોળીઓ આપતા હતા. આ ફરિયાદ પ્રત્યેક પેલેસ્ટીયન કેદીની છે. ઈઝરાયેલ સત્તાવાળાઓ કેદીઓના સ્વાસ્થ્ય માટે ભારે બેદરકારી દાખવી રહ્યા છે. આ જ રીતે બીજા એક વકીલ જે કમિટી સાથે કાર્ય કરી રહ્યા છે એમણે પણ એ પ્રકારનો રિપોર્ટ આપ્યો હતો એમણે કહ્યું હતું કે, મેગિદો જેલમાં પણ સગીરોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અને એમની ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.