(એજન્સી)                               બિલ ઈન ગામ,  તા.રર

વેસ્ટબેંકના રામલ્લાહ પાસે આવેલા બિલ ઈન ગામમાં ગેરકાયદેસર વસાહતો અને સંયુક્ત દીવાલ વિરૂદ્ધ શાંતિપૂર્ણ રીતે સાપ્તાહિક દેખાવો કરતા પ્રદર્શનકારીઓ પર શુક્રવારે ઈઝરાયેલી સેનાએ હુમલો કર્યો  હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના  અમેરિકન એમ્બસીને તેલ-અવીવમાંથી ખસેડીને જેરૂસલેમમાં લઈ જવાની વાતે આ સાપ્તાહિક દેખાવ કરવામાં આવ્યો જેમાં પેલેસ્ટીન, ઈઝરાયેલ અને આંતરરાષ્ટ્રીય કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.

પેલેસ્ટીની ઝંડા, ટ્રમ્પ વિરોધી સૂત્રોચ્ચાર સાથે ગામમાંથી દેખાવકારોએ કૂચ કરી હતી. તેમણે ટ્રમ્પ વિરોધી અને અમેરિકન એમ્બસીને જેરૂસલેમ ખાતે ખસેડવાની ટ્રમ્પની કામગીરીને સાજીશ ગણાવી હતી. બધા પેલેસ્ટીની કેદીઓને મુકત કરાવવા માટે લિબરેશન દળોને પણ વિંનતી કરવામાં આવી હતી.

ગેરકાયદેસર વસાહત અને સંયુક્ત દીવાલ વિરૂદ્ધ પોપ્યુલર કમિટિએ જણાવ્યું હતું કે દેખાવકારો ગામના પશ્ચિમ છેડા પર પહોંચ્યા ત્યારે સૈનિકોએ તેમના પર હુમલો કર્યો હતો. પેલેસ્ટીની જમીનને  મિલિટરી ઝોન જાહેર કરી તેમનો પીછો કર્યો હતો. કમિટિએ જણાવ્યું કે સૈનિકોએ રબ્બર પેલેટ ગન, ટીયર ગેસ સહિતની વસ્તુઓ દ્વારા હુમલો કર્યો હતો. ઈઝરાયેલી સૈનિકોએ સ્થાનિક એહમદ રાહમાની અટકાયત કર્યા બાદ તેનો મુકત કર્યો હતો.

કમિટિએ વિશ્વના તમામ ઈસ્લામિક રાષ્ટ્રોને ટ્રમ્પ વિરૂદ્ધ એકત્ર થવાની હાંકલ કરી હતી. કમિટિએ હસ્તક્ષેપ વિસ્તારોમાં વિશાળ માનવ પ્રદર્શન કરવાની વાત કરી હતી. ઈઝરાયેલ વેસ્ટબેંક અને અન્ય હસ્તક્ષેપ વિસ્તારોમાં ગેરકાયદેસર વસાહતો બાંઘવા માંગે છે.