(એજન્સી) તા.૧૮
ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ફ્રાન્સની મુલાકાતે જવાની યોજના બનાવતાં જ પાટનગર પેરિસમાં ફ્રાન્સના કાર્યકર્તાઓએ વિરોધી પ્રદર્શન કરતા રેલીનું આયોજન કર્યું હતું. તેમણે આ રેલી દરમિયાન ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટાઇન પર ગુજારવામાં આવતા દમનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. શનિવારે પેરિસના દે લા રિપબ્લિક સ્કવેર ખાતે મોટી સંખ્યામાં દેખાવકારો એકઠા થયા હતા. તેમણે ટી-શર્ટ પહેરી હતી અને દરેકના હાથમાં નેતાન્યાહુના ચિત્ર હતા તેના પર ફ્રેન્ચ ભાષામાં ફાંસીવાદી, હત્યારા, જાતિવાદી અને અત્યાચારી જેવા શબ્દો લખ્યા હતા. જો કે આ કાર્યકર્તાઓએ રેલી દરમિયાન ઇઝરાયેલ દ્વારા કબજા હેઠળના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહેલા બાંધકામ અને ગાઝા પર મૂકવામાં આવેલા પ્રતિબંધો સામે પણ આકરો રોષ ઠાલવતાં ઇઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. તમને જણાવી દઇએ કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોનએ નેતાન્યાહુને ફ્રાન્સની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. જો કે એક જાહેર સભાને સંબોધતાં યુરો પેલેસ્ટીનના અધ્યક્ષ ઓલિવિયા ઝેમોરે આકરા શબ્દોમાં મેક્રોન સામે પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમારા રાષ્ટ્રપતિએ એક એવા વ્યક્તિ માટે રેડ કાર્પેટ પાથરવાનો નિર્ણય કર્યો છે જે એક સૌથી મોટો ગુનેગાર છે, અત્યાચારી છે, તે વ્યક્તિઓ પર અત્યાચાર કરે છે અને બાળકોના કતલ કરે છે. તેમણે નેતાન્યાહુ સામે વધુ પ્રહારો કરતા તેમને જમીનચોર કહ્યા હતા. તેમણે કહ્યું કે આ એ વ્યક્તિ છે જે આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવાધિકારોનો સન્માન નથી કરતો. ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે . તેમણે કહ્યું કે અમારા રાષ્ટ્રપતિ મેક્રોન આવી વ્યક્તિને કેવી રીતે આમંત્રણ આપી શકે. નેતાન્યાહુ કોણ છે? ઝેમોરે કહ્યું કે જે વ્યક્તિ કોઇની સાથે ન્યાય કરતો નથી તે આપણી સાથે કેવી રીતે ન્યાય કરશે ? અમે આવી વ્યક્તિ માટે રેડ કાર્પેટ પાથરવા નહીં દઇએ. જૂન મહિનામાં પ્રો પેલેસ્ટીની સર્મથકોએ ઇઝરાયેલી વસ્તુઓનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો હતો. તેમણે પેરિસમાં જોરદાર રેલીનું આયોજન કરીને પણ પેલેસ્ટીનીઓને ટેકો આપ્યો હતો.