તેલ અવીવ, તા. ૬
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના ત્રણ દિવસના પ્રવાસે છે અને તેમને અહીં ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીની યહૂદી દેશની મુલાકાત એ કોઇપણ ભારતીાય વડાપ્રધાન દ્વારા પ્રથમ મુલાકાત હોવાથી ઇઝરાયેલી મીડિયાએ તેની ખાસી નોંધ લીધી હતી. મોદી અને તેમના ઇઝરાયેલી સમકક્ષ નેતાન્યાહૂએ બુધવારે સાત મહત્વના કરારો પર હસ્તાક્ષર કરી ઇઝરાયેલ અને ભારતના સંબંધોને વધુ મજબૂત કર્યા હતા. આ દરમિયાન નેતાન્યાહૂએ બંનેની મુલાકાતને સ્વર્ગમાં બનેલી જોડી ગણાવી પીએમ મોદીના ભારત આવવાના આમંત્રણને પણ ગ્રાહ્ય રાખ્યો હતો. પીએમ મોદી જ્યારે તેલ અવીવ અને જેરૂસલેમની મુલાકાતે છે ત્યારે ઇઝરાયેલી મીડિયા તેમની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખીને બેઠું છે. તેમણે આ દરમિયાન પેલેસ્ટીન અંગે નિવેદન ટાળ્યું તે બાબતે પણ ખાસ નોંધ ઇઝરાયેલી અખબારો તથા મીડિયામાં લેવાઇ છે.
મોદીની ઇઝરાયેલની મુલાકાત દરમિયાન પેલેસ્ટીનનું નામ સુદ્ધાં લેવાયું નથી. જેરૂસલેમ પોસ્ટના પ્રથમ પાનાના અહેવાલમાં લખાયું છે કે, પીએમ મોદીએ બંને દેશોના ઉકેલનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. અખબારે નોંધ્યું કે, છેલ્લા ૩૦ વર્ષના સંબંધમાં પ્રથમ એવા ભારતીય વડાપ્રધાન છે જેમણે ઇઝરાયેલ-પેલેસ્ટીન વિવાદનું નામ લેવાનુું ટાળ્યું છે અને ફક્ત બે દેશોનો વિવાદ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. અહેવાલોમાં એમ જણાવાયું છે કે, મોદી તેમના પ્રવાસમાં ૪૯ કલાક જાહેરમાં રહ્યા પરંતુ તેમણે કોઇ પણ સ્થળે પેલેસ્ટીનનું નામ લીધું નથી. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલે લખ્યું છે કે, ભારતીય વડાપ્રધાનની ઇઝરાયેલના તેલ અવીવની મુલાકાતને વધાવી લેવામાં આવી છે અને હજારો ભારતીય ઇઝરાયેલીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેમાં ખાસ નોંધ લેવામાં આવી હતી કે, તેમની મુલાકાત દરમિયાન મોટાપાયે ભારતીય પરંપરાગત પરિધાનો પહેરી લોકો આવ્યા હતા જેમાં સાડી, જીન્સ અને ટી-શર્ટને સમાવેશ થતો હતો પરંતુ ચુસ્ત ગણાતા સ્કાર્ફ જેવા વસ્ત્રોનો અભાવ હતો. અખબારમાં જણવાયું કે, મોદીની મુલાકાતમાં બોલિવૂડ ડાન્સ અને કોન્સર્ટનુું પણ આયોજન કરાયું હતું.