(એજન્સી) તા.રપ
પેલેસ્ટીની મીડિયા સેન્ટરે આપેલી માહિતી પ્રમાણે રવિવારે ઈઝરાયેલના યુદ્ધવિમાનો અને ટેન્કોએ ગાઝા સ્ટ્રીપના જુદા જુદા વિસ્તારોમાં ફરી હુમલા કર્યા હતા. જોકે ઈઝરાયેલે એવો પણ આરોપ મૂક્યો છે કે આ હુમલો અમે ગાઝા દ્વારા રોકેટ ફાયર કરવાના જવાબરુપે કર્યો હતો. જોકે મીડિયા સેન્ટરે જણાવ્યું કે હજુ આ ઘટનાઓમાં કોઇ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી. તમને જણાવી દઇએ કે ગાઝા સ્ટ્રીપના પેલેસ્ટીની નાગરિકોને નિશાન બનાવી ઈઝરાયેલી સેના દ્વારા અવારનવાર બોમ્બ હુમલા કરવામાં આવે છે. જુલાઇ ર૦૧૪થી જ ઈઝરાયેલ દ્વારા ફરીથી યુદ્ધ છંછેડવામાં આવ્યું છે. જોકે સેનાના આ આક્રમણનો અંત ર૬ ઓગસ્ટ ર૦૧૪ના રોજ થયો હતો. આ સમગ્ર અથડામણો દરમિયાન લગભગ રર૦૦ પેલેસ્ટીની નાગરિકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ૧૧૧૦૦થી જેટલા લોકો ઘવાયા હતા. તમને જણાવી દઇએ કે રવિવારે અલ અક્સા મસ્જિદમાં સાંજે નમાઝના સમયે ઈઝરાયેલ દ્વારા વધારે સીસીટીવી કેમરાની ગોઠવણ કરાયાને પગલે ફરી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં ર૦થી વધુ પેલેસ્ટીની નાગરિકો ઘવાયા હતા. આવી જ અથડામણ વેસ્ટ બેન્કના બેથલેહેમ વિસ્તારમાં પણ ફાટી નીકળી હતી. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ દ્વારા અલ અક્સા મસ્જિદમાં પ્રવેશ માટે નવા માપદંડો લાગુ કરાયા બાદથી ઈઝરાયેલ અને પેલેસ્ટીની નાગરિકો વચ્ચે ફરી તંગદિલી વધી ગઇ છે. તમામ મુસ્લિમ દેશો ઈઝરાયેલના આ પગલાંની આકરી ટીકા કરી રહ્યાં છે. ઈઝરાયેલે અલ અક્સા મસ્જિદના પ્રવેશદ્વાર પર જ સીસીટીવી કેમરા અને મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા કરી દીધી છે. આ કારણે જ પેલેસ્ટાઇની નાગરિકો ભારે વિરોધ દર્શાવી રહ્યાં છે. તેઓ કહે છે કે ઈઝરાયેલ આ પગલાં દ્વારા અલ અક્સા મસ્જિદને પોતાના તાબા હેઠળ કરવા માગે છે. તે અલ કુદ્‌સમાં સ્થિત મસ્જિદનો ઐતિહાસિક દરજ્જો છીનવવા માગે છે. તે મસ્જિદનું યહૂદીકરણ કરવા માગે છે. મક્કા અને મદીનાશરીફ બાદ અલ અક્સા મસ્જિદ મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળ છે.