(એજન્સી) તા.૧૩
માનવીને અંતરીક્ષમાં મોકલવાની ભારતની યોજના આડે હવે માત્ર એક નિર્ણય બાકી છે. એક ખાસ મુલાકાતમાં અંતરીક્ષ સંશોધન કેન્દ્ર ઇસરોના ચેરમેન કે સિવાને જણાવ્યું હતું કે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ સહિત માનવ અંતરીક્ષ મિશન માટેની મહત્વપૂર્ણ ટેકનોલોજી તૈયાર થઇ ચૂકી છે. એટલું જ નહીં પ્રોટોટાઇપ સ્પેસ શૂટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ઇસરો ભારતીય માનવ અંતરીક્ષ કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ ટેકનોલોજી તૈયાર કરી રહ્યું છે જો સરકાર ઇચ્છશે તો ભારતીય માનવ અંતરીક્ષ કાર્યક્રમ લોંચ કરી શકાશે. સિવાને જો કે જણાવ્યું હતું કે તમામ વ્યવસ્થા સંપન્ન કરતા ૫થી ૭ વર્ષ લાગી શકે છે. અત્યાર સુધી માત્ર રશિયા, અમેરિકા અને ચીન સ્વતંત્ર માનવ અંતરીક્ષ મિશન શરુ કરી શક્યા છે. ઇસરોએ કોમર્શિયલ સેટેલાઇટ લોંચ માર્કેટ તૈયાર કર્યું છે અને સૌથી સસ્તી અને સફળ મંગળ મિશન તૈયાર કરી છે.
હવે આગામી મોટા પગલાં તરીકે માનવ અંતરીક્ષ મિશનની તૈયારી ચાલી રહી છે. ભારતીયને અંતરીક્ષમાં મોકલવા માટે સંપૂર્ણપણે સ્વદેશી પ્રયાસો પર નજર સાથે ઇસરોએ ૧૦ વર્ષ પૂર્વે સરકાર પાસેથી રૂા.૧૨૫૦૦ કરોડ માગ્યા હતા પરંતુ અત્યાર સુધી મહત્વપૂર્ણ ટેકનોલોજી બનાવવા માટે માત્ર રૂા.૧૭૩ કરોડ આપવામાં આવ્યા છે. ભારતના અંતરીક્ષ કાર્યક્રમના પ્રભારી પ્રધાન જીતેન્દ્રસિંહે ૨૦૧૬માં સંસદને જણાવ્યું હતું કે હજુ સુધી માનવ અંતરીક્ષ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી.
માનવ અંતરીક્ષ મિશન માટેની ટેકનોલોજીમાં ક્રૂ મોડ્યુલનું જીએસએલવીની પ્રાયોગિક મિશન દરમિયાન ઉડ્ડયન પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે સફળતાપૂર્વક ફરીથી પૃથ્વીમાં પ્રવેશ્યું હતું જ્યારે ક્રૂ એસ્કેપ સિસ્ટમ ગયા મહિને શ્રીહરીકોટાની પરીક્ષણ સુવિધા ખાતે પરીક્ષણ કરાયું હતું. હવે તેનું ઉડાન પર પરીક્ષણ કરાશે.