બેંગ્લોરના  ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોની મેજબાની કરી રહેલા કર્ણાટકના મંત્રી ડીકે શિવકુમારના રિસોર્ટ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. વિભાગના અધિકારીઓએ શિવકુમારની પૂછપરછ કરી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓએ એવું કહ્યું કે દરોડા દરમિયાન શિવકુમાર દસ્તાવેજો ફાડી રહ્યાં હતા. કર્ણાટક અને દિલ્હીના ૬૦ ઠેકાણે પાડવામાં આવેલા દરોડામાં ૭.૫ કરોડ જપ્ત કરવામાં આવ્યાં છે.  આઈટી દરોડા બાદ, સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના સીનિયર નેતા અહેમદ પટેલે એવું કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કર્યા બાદ, આ દરોડા ભાજપ સરકારની નિરાશા અને હતાશા દર્શાવે છે. ટ્‌વીટ કરતાં પટેલે કહ્યું કે ભાજપે રાજ્યસભાની ફક્ત એક બેઠક જીતવા માટે અભૂતપૂર્વ વીચહન્ટ આદરી છે. આવકવેરા વિભાગે કર્ણાટકના મંત્રી ડીકે શિવકુમારના રિસોર્ટ પર દરોડા પાડ્યાં હતા. તેઓબેંગ્લોરની ઈગલટન હોટલમાં રોકાયેલા ગુજરાત કોંગ્રેસના ૪૦ કરતાં પણ વધારે ધારાસભ્યોની યજમાની કરી રહ્યાં છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ એવું કહ્યું કે દરોડાની કાર્યવાહી યોગ્ય નથી, આ એક ષડયંત્ર છે. તેમણે એવી પણ ફરિયાદ કરી કે દરોડામાં પોલીસનો સહકાર લેવાને બદલે સીઆરપીએફના જવાનોનો ઉપયોગ કરવામાં આવ્યો.