મોદીના આગમન પહેલા કચ્છમાં બેનરો દ્વારા મોદીનો વિરોધ

‘ હું છું દુઃખી ગુજરાત’ના બેનરો  અલ્પેશ ઠાકોર દ્વારા

અમદાવાદ,તા.રર

વડાપ્રધાન મોદીના કચ્છ પ્રવાસ આગમન પહેલાં તેમનો વિરોધ કરતાં બેનરો કચ્છમાં લાગતાં કેસરિયા પક્ષમાં દોડધામ  મચી ગઈ છે. નલિયાના દુષ્કર્મકાંડ અને ગુજરાતમાં વિકાસ મોડેલ નિષ્ફળ નીવડયું હોવાથી ગુજરાતના પ્રાણ પ્રશ્નો અંગે વડાપ્રધાનનું ધ્યાન દોરવા બેનરો કચ્છમાં લગાવાતાં ભાજપમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજથી શરૂ થતી બે દિવસની યાત્રા  વેળા ઓબીસી, એસસી, એકતા મંચ અને ઠાકોર સેનાએ બેનર વોર શરૂ કર્યું છે. જેમાં આ મંચે પીએમ મોદીના આવવા જવાના રસ્તા પર ‘હું છું દુઃખી ગુજરાત’ ના  નેજા હેઠળ બેનરો લગાવ્યાં છે તેમજ પીએમ મોદીના વિકાસ મોડેલનો વિરોધ કર્યો છે.  પી.એમ. મોદીના ગુજરાત આગમન સમયે મૂકાયેલા આ બેનરો અંગે ઓબીસી, એસ.સી. એકતા મંચ અને ઠાકોર સેનાના  કન્વીનર અલ્પેશ ઠાકોરે મીડિયાને જણાવ્યું હતું કે ગુજરાતમાં મોદીનું વિકાસ મોડેલ નિષ્ફળ નીવડયું છે. તેમજ મહાત્મા ગાંધીજીના સિધ્ધાતાંને અનુસરેલા ગુજરાતમાં ખૂલ્લેઆમ દારૂનો વેપાર થાય છે.  ગુજરાતમાં સારા શિક્ષણની વાતો કરીને ભાજપ સરકારે શિક્ષણમાં વેપારીકરણને ખૂલ્લી છૂટ આપી છે.  સમૃધ્ધ ગુજરાતની વાતો કરતા આ ગુજરાતમાં આજે પણ ખેડૂતોને ખેતરોમાં પાક ઉગાડવા માટે પૂરતું પાણી નથી તેમજ યુવાનોને મોટા-મોટા સ્વપ્ન બતાડવામાં આવે છે પરંતુ આજે આ યુવાનો માટે સરકાર પાસે રોજગારીનું કોઈ નક્કર આયોજન નથી. આ બધા મુદ્દે ગુજરાત આજે પણ દુઃખી છે. આ બધા અલગ-અલગ મુદ્દાઓ બેનર મારફતે વ્યકત કરવામાં આવ્યા છે.જો કે બીજી તરફ મોદીના આગમનની આગલી રાત્રે ભચાઉ પાસેના લોધેશ્વરથી રાપરના માર્ગે એટલે કે મોદીના કાર્યક્રમની નજીકમાં જ નલિયાકાંડના ઉલ્લેખ સાથે ભાજપ વિરોધી બેનર અજાણ્યા શખ્સોએ લગાવ્યાં હતાં. જેથી પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું અને અંતે પરિસ્થિતિનો તાગ મેળવી પોલીસે રાતોરાત આ નલિયાકાંડના બેનરો ઉતરાવી દીધા હતા. આશા રાખીએ છીએ કે મહિલા સુરક્ષાની વાતો કરતા પ્રધાનમંત્રી નલિયાકાંડ વિશે પણ  બોલશે. લખેલા સૂત્રોના બેનરો ઉપર કોઈ સંસ્થા કે વ્યકિતનું નામ પ્રિન્ટ થયેલું નથી. પરંતુ જે રીતે આ બેનર કોઈક લગાવી ગયા છે તે જોતાં સમગ્ર પરાક્રમ આયોજનબધ્ધ કરવામાં આવ્યું હોવાનું જણાય છે.