થિમ્પુ, તા. ૨૭
કોંગ્રેસના સાંસદ શશી થરૂરે શનિવારે ભાજપ પર આકરા પ્રહાર કરતા રાજકીય લાભ માટે ઇતિહાસન ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભૂતાનના પાટનગર થિમ્પુમાં ઐતિહાસિક ઉજવણી દરમિયાન પર્વતીય ક્ષેત્રમાંથી શશી થરૂરે જણાવ્યું હતું કે, ભારત બ્રિટિશકાળથી વસાહતોમાં ફેરવાયું છે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે ભારત મુસ્લિમ શાસકોના સમયથી વસાહતોમાં પરિવર્તિત થવાની શરૂઆત થઇ હતી. તેમણે જણાવ્યું હતુ કે, આપણા દેશમાં ઇતિહાસને પણ બદલી નાખવામાં આવે છે.
શશી થરૂરે જણાવ્યું કે, આપણે રામજન્મભૂમિ ચળવળ સમયે જોયું કે, ઇતિહાસ સાથે બદલો લેવાનો રાષ્ટ્રવ્યાપી પ્રથમ પ્રયાસ કરાયો હતો. સદીઓ પહેલા શું બન્યું હતું તેને તમે કાઢી ન શકો અને સામાન્ય રીતે એવા લોકો વિરૂદ્ધ ખોટી વાતો અને ગેરમાન્યતાઓ ઊભી કરવામાં આવે છે જેમણે ઇતિહાસમાં કાંઇ પણ ખોટું કર્યું નહોતું. આજના સમયમાં વર્તમાન અને ઇતિહાસની લડાઇને હથિયારની લડાઇ તરીકે રજૂ કરવામાં આવે છે. જ્યારે હું ૨૦૦ વર્ષ જુના વિદેશી રાજની વાત કરૂ છું ત્યારે આપણા વડાપ્રધાન ૧૨૦૦ વર્ષ જુના વિદેશી રાજની વાત કરે છે. હું એવા બ્રિટિશરોની વાત કરૂ છંુ જેઓ બહાથી આવી આપણા દેશના ભલાની વાત કરતા હતા અને દેશને લૂંટી જતા રહ્યા. વડાપ્રધાન માટે મુસ્લિમ શાસકો કે જેઓ ખરેખર ભારતમાં રાજ કરવા આવ્યા હતા પરંતુ અહીં જ રોકાઇ ગયા, આત્મીયતા વધારી અને અહીંના લોકો સાથે જ લગ્ન કર્યા છતાં તેઓ હજુ વિદેશી જ કહેવાય છે. મારા મતે તેઓ વિદેશી ન કહેવાય. જો તેમણે લૂંટ અને ચોરી કરી હોય તો તેમણે આ ખજાનો અહીં જ ખર્ચી નાખ્યો છે. તેઓ બ્રિટિશરોની જેમ દેશના ખજાનાને વિદેશમાં લઇ ગયા નથી.