(એજન્સી) તા.૧૧
ઇતિહાસકાર ઇરફાન હબીબ કહે છે કે સત્તાધીશોને સૌથી પહેલા તો અંગ્રેજો દ્વારા આપવામાં આવેલા નામથી હેરાનગતી થતી હતી. હવે ભલે તે માર્ગ હોય કે પાર્ક, જે કંઇ પણ હોય મુગલ કે ઇસ્લામિક ઓળખ સાથે સંકળાયેલા છે હવે તેના નામ બદલવામાં આવી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના ૧પ૦ વર્ષ જૂના રેલવે સ્ટેશન મુગલસરાયનું નામ બદલીને સંઘ વિચારક દીનદયાળ ઉપાધ્યાયના નામે રાખી દેવા પર ઇતિહાસકારો અને વારસાના વિશેષજ્ઞો કહે છે કે તેનાથી યાત્રીઓમાં શંકાની સ્થિતિ પેદા થશે અને આ પગલું રેલવેના વારસાને પણ માઠું નુકસાન પહોંચાડશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે તાજેતરમાં સ્ટેશનનું નામ બદલવાની નોટિફિકેશન જાહેર કરી હતી. દિલ્હી-હાવડા રેલવે લાઇન પર સ્થિત આ સ્ટેશન ઉત્તર ભારતનું એક મોટું રેલવે જંક્શન છે. રાજ્યપાલ રામ નાઇકે પણ નામ બદલવાને મંજૂરી આપી દીધી છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર ઇરફાન હબીબ આ મામલે કહે છે કે ઇતિહાસનો આદર તેના મૂળ રુપમાં કરવો જોઇએ. મુગલસરાય ઐતિહાસિક રેલવે સ્ટેશન છે અને લાખો લોકોની બાળપણની યાદો તેની સાથે સંકળાયેલી છે. ભારતીય રેલવેના વિસ્તરણનું મુગલસરાય એક મોટો અધ્યાય છે. તેનું નામ ન બદલવું જોઇએ. તેનું નામ કોઇના નામે રાખવાની જરુર નહોતી. તેમણે કહ્યું કે આ સ્ટેશન સાથે તેમની યાદો જોડાયેલી છે. હવે એક પ્રકારે આ જગ્યા અપરિચિત થઇ જશે. તેની કમી ખલશે. હું અનુભવી શકું છું કે મારા બાળપણનો એક હિસ્સો મારાથી છીનવી લેવાયો છે. ઇતિહાસકારે આરોપ મૂક્યો હતો કે સત્તાધીશોને સૌથી પહેલા અંગ્રેજો દ્વારા આપવામાં આવેલા નામોથી હેરાનગતિ હતી. ભલે પછી તે માર્ગો હોય કે પાર્ક. જે કંઇ હવે બની રહ્યું છે મુઘલ કે ઇસ્લામિક ઓળખ સાથે સંકળાયેલું છે. હવે તેમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. કોલકાતાના ફોટોગ્રાફર અને રેલવેમાં રસ ધરાવતા રાજીવ સોની કહે છે કે મોટાભાગની મુખ્ય ટ્રેન મુગલસરાય થઈને જાય છે. ટ્રેનોનો સમય એ પ્રકારે હોય છે કે કોઇ પટણામાં નાસ્તો કરે, મુગલસરાયમાં બપોરનું ભોજન કરે અને કાનપુરમાં ચા પી લે. આ સ્ટેશનનું નામ બદલીને હવે બધુ જ સમાપ્ત કરી દેવામાં આવશે. (સૌ.ઃ ધ ડેઈલી હન્ટ.)
મુગલસરાયનું નામ બદલવું એ રેલવેના વારસાને નુકસાન પહોંચાડવા સમાન : ઈતિહાસકાર હબીબ

Recent Comments