અમદાવાદ, તા.૨
અમદાવાદના સેટેલાઈટમાં ગેંગરેપની ઘટનામાં રોજેરોજ નવા વળાંક આવે છે ત્યારે રવિવારે પીડિતાએ ક્રાઈમ બ્રાન્ચના વડા સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને લઈને વિવાદ વકર્યો હતો ત્યારે આ કેસમાં પીડિતાએ જેસીપી જે.કે. ભટ્ટને તપાસમાંથી હટાવવાની માંગ કરી હતી ત્યારે અમદાવાદના પોલીસ કમિશનરે જાહેર કર્યું છે. આ કેસમાંથી દૂર થવાની જે.કે. ભટ્ટે સ્વૈચ્છિક વિનંતી કરી હતી. તેને ગ્રાહ રાખીને તેમને આ ગેંગરેપની તપાસમાંથી દૂર કરવામાં આવ્યા છે તેમજ આ ગેંગરેપ કેસની તપાસ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવશે. અમદાવાદના નિર્ભયાકાંડમાં રવિવારે પીડિતાએ મીડિયા સમક્ષ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી જે.કે. ભટ્ટ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. ફરિયાદીના રિમાન્ડ લેતા હોય તેવી રીતે પૂછપરછ કરવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો તેમજ આ કેસમાંથી જે.કે. ભટ્ટને હટાવવાની માંગ કરી હતી. જો કે, સોમવારે પીડિતાના પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી ૧૬૪ મુજબ પીડિતાનું ઝડપથી નિવેદન લેવા માટે અરજી કરી હતી. સાથે સાથે આ કેસની નિષ્પક્ષ તપાસ થાય તે માટે અન્ય એજન્સીને તપાસ સોંપવાની માંગ કરી હતી. તદ્ઉપરાંત આ કેસની તપાસ સીબીઆઈ જેવી સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવાની માંગ પણ પીડિતાના વકીલે કરી હતી ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી મંગળવારે હાથ ધરાશે. જો કે, પીડિતાએ જેસીપી જે.કે. ભટ્ટ ઉપર કરેલા આક્ષેપોને લીધે પોલીસ કમિશનર એ.કે. સિંઘે ગઈકાલે જ આ આક્ષેપોને ગંભીરતાથી લઈને તટસ્થ તપાસ થાય તે અંગે વિશ્વાસ અપાવ્યો હતો. પીડિતાના આક્ષેપોને લઈને જે.કે. ભટ્ટની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા ત્યારે જે.કે. ભટ્ટને આ સમગ્ર ગેંગરેપની ઘટનાની તપાસમાંથી હટાવી દેવાયા છે. જો કે, આ અંગે પોલીસ કમિશનર એ.કે. સિંઘે જણાવ્યું હતું કે, આ કેસની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ સીપી જે.કે. ભટ્ટ પર પીડિતાએ મીડિયા સામે આવીને આક્ષેપો કર્યા છે તેથી ભટ્ટ દ્વારા કેસની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય તે માટે સ્વૈચ્છિક મુક્ત થવા વિનંતી કરાઈ હતી. તેમની વિનંતીને માન્ય રાખીને જે.કે. ભટ્ટને આ ગેંગરેપ કેસની તપાસથી દૂર રાખવામાં આવે છે. જો કે, હવેથી આ તપાસ મારી એટલે પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ ખાસ ટીમ દ્વારા કરાશે. પીડિતાને તપાસ દરમિયાન કોઈ અગવડ ના પડે તે માટે અમદાવાદના મહિલા ડીસીપી શ્વેતા શ્રીમાળીને પણ તપાસ ટીમમાં જોડવામાં આવ્યા છે. તપાસની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે અને ઝડપથી પૂર્ણ કરાશે. એમ પોલીસ કમિશનર એ.કે. સિંઘે જણાવ્યું છે.
ક્રાઈમ બ્રાંચના જે.કે. ભટ્ટને ગેંગરેપ કેસની તપાસમાંથી હટાવાયા

Recent Comments