(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલ ધામડોદ શિવશક્તિ સોસાયટી પાસે ગાડી ધીમે હાંકવા બાબતે થયેલા ઝઘડામાં ત્રણ આરોપીઓએ મહિલા તથા તેની પુત્રીને માર-મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ જવાના એક બનાવમાં બારડોલી પોલીસે ત્રણેય આરોપીઓ સામે એટ્રોસિટી એકટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના તાલુકાના સાંકેરી ગામ ખાતે શીલાબેન સંજયભાઈ વેન્દે રહે છે. ગતરોજ બારડોલી ધામદોડ રોડ શિવશક્તિ સોસાયટી પાસેથી શીલાબેન અને તેમની પુત્રી લક્ષ્મીબેન પુરસાર થતા હતા. ત્યારે ગાડી ધીમે હાંકવા બાબતે ઝઘડો કરી એક સગીરા, સુનીતાબેન રાકેશભાઈ તથા નંદુસિંગ લાલ બહાદુરસિંગ વિગેરેઓએ માતા-પુત્રીને માર – મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતાએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.