(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
શહેરના વરાછા અને અમરોલીમાં રૂપિયાની ચુકવણી કરવામાં કસુર કરનાર બે રત્નકલાકારનું અપહરણ કરી લઇ, તેને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
વરાછાના હીરાબાગ વિસ્તારની આદર્શ નગર સોસાયટીમાં રહેતા રત્નકલાકાર શૈલેષ કાનજીભાઈ રિવડીયાએ આરોપી કુંજલ જનર પટેલ (રહે. ૩૦૨, નવકાર ચેમ્બર્સ વરાછા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ આરોપી પાસેથી રૂ. ૩૫૦૦૦ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. ૧૪ મહિના સુધી રૂા.૩૫૦૦ લેખે ચૂકવ્યા બાદ બીજા રૂા.૩૦૦૦ વ્યાજપેટે ચૂકવી દીધા હતા. તેમ છતાં આરોપીઓએ રૂપિયાની ઉઘરાણી કરી તા. ૧૬-૮-૧૮ના રોજ ફરિયાદીને ઓફિસે લઈ જઇ તારે રૂપિયા નવ લાખ આપવા પડશે. તેમ કહી માર માર્યા હતો. તેમજ ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ-પેપર ઉપર નવ લાખ રૂપિયાનું લખાણ લઈ રૂપિયા નહીં આપશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વરાછા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં અમરોલી અબ્રામા ગામ ખાતે રહેતા એક રત્ન કલાકારે બે મહિના પહેલા ઓલપાડ તાલુકાના સાંઇ આગમન રેસિડેન્સિ ખાતે રહેતા મહેશ વલ્લભભાઇ અકબરી પાસેથી રૂપિયા ૫૦ હજાર ઉછીના લીધા હતા. જે રૂપિયાની ઉઘરાણી કકરતા રત્ન કલાકારે રૂપિયા નહીં ચૂકવી શકતા આખરે ગઇકાલે બપોરના સમયે મહેશ તેના પુત્ર રીતેશ તથા તેના સાગરીતા વિજય તુલસીભાઇ બેરડીયા તથા મુકેશ બાલાભાઇ ગોંડલિયા સાથે ગાડીમાં બેસીને આવ્યા હતા અને રત્ન કલાકારને ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા, અને રૂપિયા પરત નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી છોડી દેવાયો હતો.