પટના, તા. ૨૭
જદયુના વરિષ્ઠ નેતા શરદ યાદવે નીતિશ કુમારના વલણની ટીકા કર્યા બાદ રાષ્ટ્રીય પાટનગરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી. રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ સાથેના ગઠબંધનને તોડી ભાજપ સાથે હાથ મિલાવવાના નીતિશ કુમારના નિર્ણય સામે શરદ યાદવ જૂથ ખફા હોવાના અહેવાલો મળ્યા હતા. જ્યારે શરદ યાદવ નીતિશની શપથ વિધિમાં પણ હાજર રહ્યા નહોતા જ્યારે નીતિશે પણ તેમની ગેરહાજરીમાં રાજ્યપાલ પાસે શપથગ્રહણ કરી લીધા હતા.
અહેવાલો અનુસાર જદયુના નેતા અરૂણ કુમારે જણાવ્યું હતું કે, શરદ નીતિશના નિર્ણયથી નારાજ હતા અને તેઓ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને મળશે. આ પહેલા જેડીયુમાં મતભેદો સપાટી પર આવ્યા હતા. જેડીયુના મોટા નેતા અને રાજયસભા સાંસદ અલી અનવર તેમજ શરદ યાદવે જાહેરમાં નીતિશકુમારની ઝાટકણી કાઢી હતી. બન્ને નેતાઓએ નીતિશ કુમારના નિર્ણયની ટિકા કરી છે. ભૂતપૂર્વ જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે આ સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપતા કહ્યું છે કે નીતિશ કુમારે તમામ નિર્ણય ઉતાવળમાં કર્યા છે. શરદ યાદવે કહ્યું હતું કે નીતિશ કુમાર ખૂબ આશ્ચર્યજનક નિર્ણય લઇ ચુક્યા છે.