(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
સુરત જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરતા આઇ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પાણીની સંગ્રહશક્તિ વધારવા અને વધુને વધુ જળ-સંચય માટે રાજ્યભરમાં હાથ ધરેલા સુજલામ સુફલામ જળ અભિયાનના ઉત્સાહવર્ધક પરિણામો મળી રહ્યા છે. જે મુજબ સુરત જિલ્લાના ૧૦૪ જેટલા તળાવો/ચેકડેમો ઊંડા કરવાના કામો પ્રગતિ હેઠળ હોવાનું અને પાણી પૂરવઠાના કાંસ સફાઈના ૧૬ કામો પૈકી ૭ કામો પૂર્ણ થયા હોવાનું તેમણે જણાવ્યું હતું. જાડેજાએ આગામી ત્રણ વર્ષ માટે જળ અભિયાન શરૂ રાખવાના નિર્ણયથી જળસંચયના લાંબા ગાળાના ફાયદા થશે એમ જણાવી જળ અભિયાનની આવતા વર્ષના તળાવોની કામગીરીનું ચેકલિસ્ટ બનાવી પૂર્વતૈયારી કરવાનો પણ અનુરોધ કર્યો હતો. તમામ અધિકારીઓએ કલેકટર સાથે સંકલનમાં રહી કામગીરી કરવા અને તળાવના બાકી કામો વહેલી તકે શરૂ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં મેયર અસ્મિતાબેન શિરોયા, જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ, અધિક નિવાસી કલેકટર સંજય વસાવા, સિટી પ્રાંત બી.એસ.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાલા સહિત વિવિધ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો, કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.