(એજન્સી) હૈદરાબાદ, તા.ર૩
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી એનઆરસીના વિરોધમાં જોડાનાર સૌથી નવા સભ્ય છે. દેશભરમાં એનઆરસી અને સીએએ સામે વિરોધ પ્રદર્શનો વચ્ચે આજે એમણે જાહેરાત કરી હતી કે અમે આ બન્ને કાયદાઓનો અમલ રાજ્યમાં નહીં કરીશું. જગન મોહન રેડ્ડીએ આ મુદ્દે સંપૂર્ણ રીતે યૂ-ટર્ન લીધો છે. જો કે, એમના પક્ષના સભ્યોએ લોકસભા અને રાજ્યસભા બન્નેમાં આ બિલને સમર્થન આપ્યું હતું. જગન મોહન રેડ્ડીએ કડાપામાં અમુક પ્રોજેક્ટોનું શિલાન્યાસ કરતાં જણાવ્યું મને મારા લઘુમતી કોમના મિત્રોએ જણાવ્યું કે, એનઆરસી બાબત હું પોતાનો વલણ સ્પષ્ટ કરતું નિવેદન આપું. હું સ્પષ્ટ કરી જણાવું છું કે, આંધ્રપ્રદેશમાં એનઆરસીનો વિરોધ કરીશું અને કોઈપણ સંજોગોમાં સમર્થન આપીશું નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે, મારા નાયબ મુખ્યમંત્રી અઝમાથ બાશા શૈક બેપારીએ મારી સાથે સલાહ કરી હતી જે મુજબ હું આ જાહેરાત કરી રહ્યો છું. જગન મોહન રેડ્ડીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં એમના પાડોશી રાજ્ય તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર ઉપર દબાણો થઈ રહ્યા છે કે એમણે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. કેસીઆરએ કહ્યું આ બાબત ચિંતા કરવાની જરૂર નથી. પ્રમાણિક નાગરિકોનું રક્ષણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું આવવા દો પછી વિચારીશું. આ પહેલાં ઘણા બધા મુખ્યમંત્રીઓ એનઆરસી લાગુ નહીં કરવા જણાવી ચૂકયા છે. જેમાં મમતા બેનરજી, નીતિશકુમાર, નવીન પટનાયક, અમરિન્દરસિંઘ, કમલનાથ, અશોક ગેહલોત અને પિનારાઈ વિજયન છે.