(એજન્સી) તા.૨૩
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર અને રાજ્યપાલ જગદીપ ધનખડ વચ્ચે ખેંચતાણ ઘટવાનો નામ જ નથી લેતી. તાજેતરના ઘટનાક્રમ અનુસાર જાદવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ જગદીપ ધનખડ ગો બેકનો સૂત્રોચ્ચાર કર્યો હતો. સાથે જ તેમણે કાળા વાવટા ફરકાવ્યાં અને પોસ્ટર બતાવીને ધનખડનો વિરોધ કર્યો હતો. આટલું જ નહીં રાજ્યપાલ ગાડીમાં ઊતરી જ શક્યા ન હતા. મળતી માહિતી અનુસાર રાજ્યપાલ જાદવપુર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. વિરોધ દરમિયાન વિદ્યાર્થીોએ ધનખડને ભાજપના નેતા ગણાવી રહ્યા હતા. અગાઉ મળેલી માહિતી અનુસાર જાદવપુર યુનિવર્સિટીએ વિશેષ દીક્ષાંત સમારોહનું આયોજન ન કરવાનો શનિવારે નિર્ણય કર્યો હતો જેને કુલપતિ અને પ.બંગાળના જગદીપ ઘનખડ સંબોધવાના હતા. આ નિર્ણય વિદ્યાર્થીઓ દ્વારા તેમને કાળા વાવટા બતાવવાની ધમકી આપ્યા બાદ લેવાયો હતો.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સ્નેહામંજુ બસુએ જણાવ્યું હતું કે, વાર્ષિક દીક્ષાંત સમારોહ જેમાં કુલપતિની હાજરી ફરજિયાત નથી તેનું આયોજન તેના નક્કી કાર્યક્રમ અનુસાર ૨૪ ડિસેમ્બરે થશે. બધી યુનિવર્સિટીમાં વિશેષ દીક્ષાંત સમારોહ દરમિયાન પ્રતિષ્ઠિત વ્યક્તિત્વોને માનદ ડોક્ટરેટની ડિગ્રી અપાય છે અને તેના પછી વાર્ષિક દીક્ષાંત સમારોહનું આયોજન કરાય છે. તેનાથી ધનખડને મમતા બેનરજીએ પણ ભાજપના મુખપત્ર ગણાવ્યા હતા. મમતાએ કહ્યું હતું કે, તે યુનિવર્સિટીની અંદર અમારી સાથે ખરાબ વર્તન કરે છે. હું તેમના જીવન અને કારકિર્દીમાં સારા સ્વાસથ્ય અને સમૃદ્ધિની કામના કરૂં છું. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે દરેક વ્યક્તિએ શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ. હું સાત વખત સાંસદ બની છું, બે વાર વિધાનસભા જીતી. હું પણ શિષ્ટાચારનું પાલન કરૂં છું.