(સંવાદદાતા દ્વારા) પાટણ, તા. ર૮
પાટણ ખાતે આજે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ વિજય વિશ્વાસ સંમેલન દરમિયાન જ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સંમેલનમાં હાજર પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના નામની દિલ્હી હાઈકમાન્ડ દ્વારા જાહેરાત કરવામાં આવતા આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.
લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયેલા જગદીશ ઠાકોરે વિજય વિશ્વાસ સંમેલનમાં પત્રકારોને જણાવ્યું હતું કે, હાઈકમાન્ડે મતદારોની માગણીને ધ્યાનમાં લઈ મારા નામની જાહેરાત કરી છે. પાટણ એ ખેતી અને પશુપાલન પર નિર્ભર જિલ્લો છે. ખેડૂતોને સમયસર પાણી, ખેત ઉત્પાદન અને દૂધના પોષણક્ષમ ભાવો મળે તે માટે અગાઉ પણ આંદોલનો કરી સરકાર સામે લડ્યો છું. તેને હું ચૂંટણી મુદ્દો બનાવી મતદારો વચ્ચે જઈશ. ખેડૂતોના પ્રશ્નો ઉપરાંત જી.એસ.ટી.ના કાયદાના કારણે ભીંસમાં મુકાયેલા નાના વેપારીઓના પ્રશ્નો, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તમામ વિભાગોમાં અધ્યાપકોની નિમણૂંક, ગુણવત્તાયુક્ત શિક્ષણ, દરેક સમાજને ન્યાય એ મારા મુખ્ય ચૂંટણી મુદ્દા હશે.
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વચ્ચેના મતભેદ મામલે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, મારે અને અલ્પેશ ઠાકોરને કોઈ જ મતભેદ નથી. અમારા બંને વચ્ચે છેલ્લા ૩ મહિનાથી ‘પહેલે આપ પહેલે આપ’ની વાત થતી હતી, પરંતુ તેમણે સ્વેચ્છાએ લોકસભા લડવા ઇન્કાર કરતા મતદારોની માગણી અને હાઈકમાન્ડના આદેશથી મેં ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
કોંગ્રેસના ત્રણ પૂર્વ ધારાસભ્ય સહિત પાંચ આગેવાનોએ આજે આપેલા રાજીનામ પ્રશ્ને જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, કોઈને મારી સાથે વ્યક્તિગત નારાજગી હોય તો હું માફી માગવા તૈયાર છું, પરંતુ કોઈ પણ આગેવાન, કાર્યકર કે મતદારોને કોંગ્રેસ પક્ષનું અહિત થાય તેવા કાર્યથી દૂર રહેવા જણાવ્યું હતું.
ચાલુ વિજય વિશ્વાસ સંમેલનમાં જ પાટણ બેઠક માટે જગદીશ ઠાકોરના નામની જાહેરાત થતાં ઉપસ્થિત જિલ્લાના આગેવાનો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ કાસમઅલી સૈયદ, ગુલામહુસેન સૈયદ, ડો. સલીમ ફારૂકી, નુરૂલહુસેન કાદરી સહિત વિવિધ સમાજના આગેવાનો, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી વિજયનો વિશ્વાસ અપાવ્યો હતો.
વિજય વિશ્વાસ સંમેલનમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ગુલાબખાન રાઉમા, બાબુજી ઠાકોર, લાલેશ ઠક્કર, કાનજીભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.