(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૯
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી પાસેનાં ગીરડા ગેટ પાસે બર્થ-ડે મનાવતા જાહેરમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ પર વિજીલન્સ સ્કોર્ડની ટીમ ત્રાટકતા વિદ્યાર્થીઓ બેગ મુકીને ત્યાંથી ભાગી છુટયા હતા. જ્યારે બે વિદ્યાર્થીઓ દારૂની બોટલ સાથે ત્યાંથી ઝડપાઇ ગયા હતા. આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા દારૂની મહેફીલમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીનાં માઇક્રોબાયોલોજી વિભાગ પાસે ગીરડા ગેટ નજીક ભુખી કાંસ પાસે કેટલાક વિદ્યાર્થીઓ કે જેમાં વિદ્યાર્થિનીઓ પણ સામેલ હતી. તેઓ જાહેરમાં દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. તે દરમિયાન આ અંગેની જાણ વિજીલન્સ સ્કોર્ડને થતા વિજીલન્સે સ્થળ પર દરોડો પાડતા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. અને વિદ્યાર્થીઓ દારૂની બોટલો અને પોતાના બેગ મુકીને ત્યાંથી ભાગી છુટયા હતા. બનાવની જાણ થતા સયાજીગંજ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને દારૂની બોટલ સાથે બે વિદ્યાર્થીઓને ઝડપી પાડયા હતા. પુછપરછમાં વિદ્યાર્થીઓએ તેમના મિત્રનો બર્થ-ડે હોવાથી પાર્ટી કરવા માટે દારૂની બોટલ લાવી બર્થ-ડે પાર્ટી ઉજવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા વિદ્યાર્થીઓ તેમજ ફરાર અન્ય વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા પણ આ બનાવમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
વડોદરા : જાહેરમાં દારૂની મહેફીલ મળતા વિદ્યાર્થીઓ ઝડપાયા

Recent Comments