(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અને શહીદના પરિવારોને આર્થિક મદદ કરવા દેશભરના લોકોમાં એક જુવાળ ઊભો થયો છે અને લોકો યથાશક્તિ મદદ કરી રહ્યા છે. ગરીબ ચાવાળા, રેકડીવાળા, ફેરિયાઓ પણ તેમની એક દિવસની આવક આપી રહ્યા છે, ત્યારે કાયદેસરના પગાર ઉપરાંત લાખો રૂપિયાની આવક રળતા પ્રજાના કહેવાતા સેવકોની દિલદારી ઊડીને આંખે વળગે એવી છે. ગતરોજ ભાજપના ધારાસભ્યોએ શહીદોના પરિવારોને અડધો પગાર આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોએ આખો પગાર આપવાની જાહેરાત કરતા ભોઠા પડેલા ભાજપના ધારાસભ્યોએ મોડી સાંજે પૂરો પગાર આપવાની જાહેરાત કરવી પડી હતી. પુલવામામાં આતંકી હુમલાના શહીદોના પરિવારોને સહાય કરવા મહિને ૧ લાખ ૧૬ હજારનો પગાર લેતા ગુજરાત ભાજપના ધારાસભ્યોએ શરૂઆતમાં કંજુસાઈ દાખવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોએ એક માસનો પગાર શહીદોને પરિવારોને આપવાનો નિર્ણય કરતા ભાજપના ધારાસભ્યોએ પણ અનિચ્છાએ એક મહિનાનો પગાર આપવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ) મુજબ ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યો પૈકી ૧૪૧ એટલે કે ૭૭ ટકા ધારાસભ્યો કરોડપતિ છે. જેમાં ભાજપના સૌથી વધુ ૮૫ ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના ૫૩, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૨ અને એનસીપીના ૧ ધારાસભ્ય કરોડપતિ છે. ગઈકાલે બપોરે ભાજપ વિધાનસભા પક્ષની મળેલી બેઠકમાં પુલવામાના શહીદોના પરિવારોને ધારાસભ્ય દીઠ રૂા.૫૧ હજાર આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સાંજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. જેમાં શહીદ પરિવારોને ધારાસભ્ય દીઠ મહિનાનો પગાર આપવાનો નિર્ણય કરતા ભાજપના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક સહિત મુખ્યમંત્રી અચાનક દોડતા થયા હતા. ત્યારબાદ મોડી સાંજે ભાજપ વિધાનસભા બેઠકનો નિર્ણય બદલીને ૫૧ હજારના બદલે ભાજપના તમામ ધારાસભ્યોનો એક માસનો પગાર આપવાનો નિર્ણય અનિચ્છાએ લેવો પડ્યો હતો. આમ, શહીદ પરિવારોને સહાય આપવામાં પણ ભાજપના ધારાસભ્યોની કંજુસાઈ બહાર આવી હતી.