(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૮
જાહેર રસ્તા ઉપર થુકનારા અને ગમે ત્યાં લઘુશંકા કરવા ઉભા થઈ જતા લોકોને પાઠ ભણાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે વર્ષ અગાઉ જાહેરનામુ બહાર પાડયું હતું. પરંતુ આ જાહેરનામાનો અસરકારક અને કડક અમલ ન કરાતા લોકોની કુટુંબોમાં કોઈ ફેર પડયો નથી ઉલટાનું લોકો રસ્તા પર, ચાલુ વાહને જાહેર ઈમારતોમાં હોસ્પિટલોમાં ગમે ત્યાં થુંકતા કે પાન મસાલાની પીચકારી મારી કે ગમે ત્યાં લઘુશંકા કરવા ઉભા થઈ પોતાની કુસંસ્કારતાનું પ્રદર્શન કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી ર૬ માસ અગાઉ જાહેરનામુ બહાર પાડયું હતું. આ ગાળા દરમ્યાન માત્ર ૪ર લોકોને જ પકડી તેમની પાસેથી રૂા.૩૩૦૦નો વહીવટીચાર્જ વસુલ કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી બે વર્ષ અગાઉ વર્ષ-૨૦૧૫માં અમદાવાદ શહેરના વિવિધ ઝોન અને તેના મુખ્ય રસ્તાઓ ઉપર જાહેરમા લઘુશંકા કરનારા લોકોને અટકાવવા તેમજ જાહેરમાં થુંકનારા લોકોને અટકાવવા માટે થઈને એક ખાસ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતુ આ જાહેરનામુ બહાર પાડયા બાદ આજે ૨૬ માસ જેટલો સમય પસાર થઈ જવા છતાં હજુ સુધી તેનો અસરકારક અમલ કરાવવામા મ્યુનિસિપલ હેલ્થ વિભાગને સફળતા મળી શકી નથી.અમદાવાદ શહેરના નવા પશ્ચિમઝોનમાં સેટેલાઈટ,થલતેજ, પ્રહલાદનગર, શિવરંજની, ઈસ્કોન, ઉત્તરઝોનમાં અસારવા, નરોડા, મેઘાણીનગર, કલાપીનગર પશ્ચિમઝોનમા મીઠાખળી અંડરપાસ, એલિસબ્રિજ અંડરપાસ હોસ્પિટલોમાં સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, બાંગબગીચો, જાહેર રસ્તા વગેરે જેવા વિસ્તારોમા લોકો જાહેરમા ગમે તે સમયે લઘુશંકા કરવા ઉભા રહી જાય છે.આ ઉપરાંત અમદાવાદ શહેરના મધ્યઝોનમા ગીતામંદિર એસટી બસસ્ટેશન,રેલવે સ્ટેશન બહાર પણ લોકો જાહેર રોડ ઉપર લઘુશંકા માટે ઉભા રહી જાય છે.આ સાથે જ જે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ હતુ એમા જાહેર રસ્તા ઉપર થુંકનારાઓને પણ દંડ કરવાની જોગવાઈ કરવામા આવી હતી આમ છતાં જાહેરમાં થુંકનારા કે પાન કે ગુટખા ખાઈને પીચકારી મારનારાઓને પણ નિયંત્રિત કરવામા મ્યુનિસિપલ હેલ્થ વિભાગ અસરકારક કામગીરી કરી શક્યુ નથી. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ ત્યારથી આજદિન સુધીમા માત્ર ૪૨ લોકોને આમ કરવા માટે પકડીને તેમની પાસેથી કુલ મળીને રૂપિયા ૩૩૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામા આવ્યો છે.આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીનુ કહેવુ છે કે,અમે આ જાહેરનામાનો અસરકારક અમલ કરાવવાના આયોજનમા છીએ જેથી કરીને શહેરના રસ્તાઓ સાફ સુથરા રહે.