અમદાવાદ, તા.૬
કેન્દ્ર સરકારના વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના ઈ.આઈ.એ જાહેરનામાની જોગવાઈ મુજબ પર્યાવરણીય મંજૂરી વિના કોઈપણ પ્રોજેક્ટની જમીન પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાતું નથી ત્યારે તા.૭ અને ૮ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે તે પ્રોજેક્ટને પર્યાવરણની મંજૂરીની પ્રક્રિયા પ્રોેસેસમાં છે ત્યારે વડાપ્રધાન મોદી પર્યાવરણ જાળવવા માટેના ઈ.આઈ.એના જાહેરનામાની જોગવાઈઓનો ભંગ કરી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. તેવો સણસણતો આક્ષેપ કર્મશીલ ગૌતમ ઠાકરેએ કર્યો છે.
ગૌતમ ઠાકરેએ આ મામલે વધુમાં જણાવ્યું કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર દ્વારા તા.૩/૮/ર૦૧૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટિલા તાલુકાના દોશાલીગુના ગામે પ્રાથમિક શાળાના મેદાન ખાતે અને ૪/૮/ર૦૧૭ના રોજ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના હીરાસર ગામ જૂના ગામતળ ખાતે ગુજરાત સ્ટેટ એવિયેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડના એરપોર્ટ માટેના પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક-સુનાવણી યોજવામાં આવી હતી.
ઈ.આઈ.એ. જાહેરનામાની જોગવાઈ મુજબ આવી લોક-સુનાવણી યોજ્યા પછી તેની મિનિટસ અને સુનાવણીની પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કેન્દ્રની ઈ.આઈ.એ.એ (એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી) કમિટીને પહોંચાડવાનું હોય છે અને તેના દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવી કે ના આપવી અને આપવી તો કયા પ્રકારની શરતોને આધીન આપવી તે માટે એક્સપર્ટ એપ્રાઈઝલ કમિટીની ભલામણો મેળવવામાં આવે છે અને તે પછી જ મંજૂરી મળતી હોય છે જ્યારે આ પ્રોજેક્ટ હજુ આ બધી પ્રક્રિયામાં છે. આખરી નિર્ણય લેવાયો નથી એટલે કે આ પ્રોજેક્ટને મંજૂરી મળશે કે કેમ તે હજુ કહી શકાય નહીં.
ભારત સરકારના વન, પર્યાવરણ અને જળવાયું પરિવર્તન મંત્રાલયના ઈ.આઈ.એ. જાહેરનામું-ર૦૦૬ (ર્દ્ગં.૧પ૩૩) મુજબ આ પ્રોજેક્ટ કક્ષા-એ (કેટેગરી-એ)માં સમાવેશ થાય છે. આ જાહેરનામાની જોગવાઈ મુજબ પર્યાવરણીય મંજૂરી મેળવવી જરૂરી હોય તેવા કોઈપણ પ્રોજેક્ટ પર્યાવરણની મંજૂરી મેળવ્યા વિના આવનાર પ્રોજેક્ટની જમીન પર કોઈપણ પ્રકારનું બાંધકામ કરી શકાતું નથી અને જમીનને મૂળ સ્થિતિમાં જ રાખવાની હોય છે, જમીન ઉપર કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. પરંતુ તા.૭ અને ૮ ઓક્ટોબર ર૦૧૭ દરમિયાન ભારતના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે જે દરમિયાન વિવિધ કાર્યક્રમો આયોજિત છે. જેમાંથી એક કાર્યક્રમ આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાનો પણ છે પરંતુ અહીં સવાલ છે કે શું દેશ અને વિશ્વમાં પર્યાવરણની જાળવણીને મહત્ત્વ આપવનાર દેશના વડાપ્રધાન પર્યાવરણ જાળવવા માટેની કાનૂની બાબતોનું ઉલ્લંઘન કરી આ પ્રોજેક્ટને શરૂ કરશે ? એવો સણસણતો સવાલ પીયુસીએલ ગુજરાતના મહામંત્રી ગૌતમ ઠાકરે કર્યો છે.