(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
દિલ્હી સરકારને ફસાવવા માટે કેન્દ્રની તપાસ ટીમ તેમના કાર્યાલયમાંથી લગભગ ૪૦૦ ફાઈલો ઉઠાવી ગઈ છે. ૬ મહિના સુધી તપાસ ચાલી, પરંતુ કંઈ પણ મળ્યું નહીં. તેનાથી એ સાબિત થાય છે કે, વડાપ્રધાને દિલ્હી સરકારને ક્લિનચીટ આપી દીધી છે. કેજરીવાલે કેન્દ્રની સરકાર પર કટાક્ષ કરતાં પડકાર આપ્યો છે કે, તેઓ પોતાની ચાર ફાઈલો ચાર દિવસ માટે આપી દે તો તેમને આજીવન જેલ ભેગા કરી દઈશ. સીએમે આ વાત સોમવારે તાલકટોરા સ્ટેડિયમમાં ‘આપ કા દાન, રાષ્ટ્ર કા નિર્માણ’ અભિયાનની શરૂઆતના પ્રસંગે કહી હતી.
તેમણે કહ્યું કે, દિલ્હી સરકાર દેશની કટ્ટર પ્રામાણિક પાર્ટી છે. કોંગ્રેસ તેમજ ભાજપાની સરકારો શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી માટે જે કામ ગત ૭૦ વર્ષોમાં નથી કરી શકી તે અમે ૩ વર્ષમાં કરી બતાવ્યું. તેના વખાણ દેશ તેમજ દુનિયામાં થઈ રહ્યા છે. આરોપ મૂકતાં તેમણે કહ્યું કે, દિલ્હી સરકારે તપાસ માટે ૩ વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની સમિતિની વડાપ્રધાને રચના કરી હતી. તેએ તપાસ માટે ૪૦૦ ફાઈલો ઉઠાવી ગયા, પરંતુ તેમાંથી કશું જ પકડાયું નહીં, જો અમને કેન્દ્રની ૪ ફાઈલો ચાર દિવસ માટે મળી જાય તો તેમને આજીવન જેલ ભેગા કરાવી દઈશ.