જામનગર, તા.૧૦
જામનગરની જેલમાં બપોરે કેદીઓને વોર્ડની બહાર કાઢવાના સમયે વોર્ડ નં.પના પાછળના ભાગમાંથી કોઈ શખ્સોએ તમાકુ-ખૈની સહિતની વસ્તુઓ મોજામાં ભરી અંદર ફેકી હતી. આ કૃત્ય રાઉન્ડ મારતા સંત્રીઓના ધ્યાને આવી ગયા પછી તે મોજું લેવા આવેલા કુખ્યાત શખ્સને દબોચી લેવામાં આવ્યો છે તેની સામે જેલમાં પ્રતિબંધિત વસ્તુ મંગાવવાનો ગુન્હો નોંધી તેના બે સાગરિતોની શોધ શરૃ કરી છે.
જામનગરની જિલ્લા જેલના સ્ટાફ દ્વારા બપોરના સમયે જ્યારે જેલના પટાંગણમાં કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે રૃટીન મુજબનું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જેલના પાછળના ભાગમાંથી કોઈ ચીજવસ્તુ વોર્ડ નં.પ પાસે ફેંકવામાં આવતા રાઉન્ડ મારી રહેલો સ્ટાફ ચોંક્યો હતો.
ત્યાર પછી જેલના સંત્રીઓએ આ ચીજવસ્તુઓ લેવા માટે કોણ આવે છે તેની તપાસ કરવાનું નક્કી કરી વોચ રાખતા અગાઉ જામનગરના પટેલ કોલોની, રામેશ્વરનગર સહિતના વિસ્તારોમાં પોતાની લુખ્ખી દાદાગીરીના કારણે ગાઠિયાદાદા તરીકે પકડાઈ ચૂકેલો પોલીસપુત્ર દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દીવલો ડોન બહારથી ફેંકવામાં આવેલા મોજા જેવા કોઈ કાપડનું આ ‘પાર્સલ’ લેવા માટે આવ્યો હતો. આ વેળાએ જ ધસી આવેલા સંત્રીઓએ તેને પકડી લઈ જેલર સમક્ષ રજૂ કરતા અને તે ‘પાર્સલ’ની ચકાસણી કરતા મોજા જેવા કપડામાં વીંટીને બહારથી તમાકુ, ખૈની સહિતનો માલસામાન મળી આવ્યો હતો.
ઉપરોકત બાબતની બપોરે જેલના કર્મચારી શામળાજી એફ.મકવાણાએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.