(એજન્સી) નવી દિલ્હી, તા.ર
જમાત-એ-ઈસ્લામી હિન્દ (જેઆઈએચ)એ જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય નેતાઓને મુક્ત કરવાની માગણી કરી છે. જે તેમના લોકતાંત્રિક અને બંધારણીય મૂળભૂત હક્ક છે. તેમણે ઘાટીમાં મોબાઈલ સેવા, ટેલિફોન સેવા, ઈન્ટરનેટ કનેકશન બહાલ કરી લોકોને બોલવાની આઝાદી આપવા પણ માંગણી કરી છે.
તેમણે કહ્યું કે, ઘાટીમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા જાહેર પરિવહન સેવાઓ ચાલુ કરવી જોઈએ.
રાજ્ય સરકારે ર૪ ઓક્ટોબરે બ્લોક ડેવલોપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કર્યા બાદ જમાત-એ-ઈસ્લામી હિન્દની આ પ્રતિક્રિયા આવી છે.
જમાતના વડા મથકે પત્રકારો સાથે વાતચીત કરતાં પ્રમુખ સૈયદ સાદતુલ્લાહ હુસૈનીએ કહ્યું કે સરકારે ચૂંટણી યોજતા પહેલા અમારી ત્રણ શરતો પૂરી કરવી પડશે. અટકાયતીઓની મુક્તિ, લોકતાંત્રિક પ્રક્રિયાની જાળવણી અને લોકોના બંધારણીય હકો પુનઃબહાલ કરવા સાથે સંદેશા વ્યવાહાર, શરૂ કરી લોકોના ભયનો માહોલ દૂર કરવો પડશે.
જમાતના પ્રમુખે કહ્યું કે હાલની સ્થિતિમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ પ્રત્યે શંકા છે. બ્લોકની ચૂંટણીઓ સાથે વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવા માંગણી કરી છે. તેમણે સામાન્ય નાગરિકોને કરાતી હેરાનગતિ સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. બે માસથી ઘાટીમાં તમામ સંદેશા વ્યવહાર સેવાઓ બંધ છે. જમાતના વલણ અંગે હુસેનીએ કહ્યું કે ૩૭૦ની કલમ રદ કરવાની કાર્યવાહી યોગ્ય નથી. કેન્દ્રએ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની આ મુદ્દે સહમતી લેવાની જરૂર હતી જે બંધારણ મુજબ છે.
તેમણે કહ્યું કે સરકારે દેશમાં મંદીના માહોલના ઉકેલ માટે અર્થશાસ્ત્રના નિષ્ણાતોની સેવાઓ લેવી જોઈએ. દેશમાં વધતી જતી બેરોજગારી અને મંદી ચિંતાજનક છે. તેમણે જમ્મુ-કાશ્મીર મુદ્દે બીજા મુસ્લિમ સંગઠનોના વલણ અંગેના પ્રશ્નોનો જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો. અમે બીજા સંગઠનોના નેતાઓ શું કરે છે તે અંગે કંઈ કહી શકીએ નહીં. જમાતના ઉપપ્રમુખ એન્જિનિયર મોહમ્મદ સલીમે કહ્યું કે કાશ્મીર મુદ્દો સેનાના બળથી કે ઉગ્રવાદથી ઉકેલી શકાશે નહીં. પરંતુ તે આંતરિક સમજૂતી અને વિશ્વાસથી ન્યાય અને પ્રમાણિકતાથી ઉકેલી શકાશે. સરકારે આ મુદ્દે ઉકેલ માટે હજુ કોઈ નક્કર પગલા લીધા નથી. જે પગલા લીધા છે તે માત્ર સ્થિતિને વણસાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશના બે ભાગમાં વહેંચી દેવાનું પગલું ભારતીય લોકશાહી સાથે મજાક છે. જે ભારતની છાપને વિદેશોમાં ખરાબ કરે છે. રાજ્યમાં દવાઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓ કથળી જાય છે તે ચિંતાજનક છે. સરકાર મૂળ સમસ્યાઓને છુપાવવા સંવેદનશીલ મુદ્દા ઉછાળે છે. સરકારે નોકરીઓ ઊભી કરવા કોઈ કાર્યવાહી કરી નથી. નાના ઉદ્યોગો મરણ પથારીએ છે. જીએસટીનું રીફંડ મળતું નથી. બેંક નબળી પડતી જાય છે. એનપીએ સમસ્યા ગંભીર બની છે.