(એજન્સી) મુંબઇ, તા. ૧
મહારાષ્ટ્રમાં અનામતની માગણી અંગે મરાઠા આંદોલનની આગ વધુ ભડકી રહી છે. મહારાષ્ટ્રમાં એક શ્રમિક અને એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાની સાથે મરાઠા અનામત આંદોલનની માગણી અંગે આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધીને ૬ થઇ ગઇ છે. જ્યારે રાજ્યમાં આ મુદ્દા અંગે અન્ય ૮ લોકોએ આત્મવિલોપન કરવાની કોશિશ પણ કરી હતી. બુધવારે મરાઠા લોકો મુંબઇમાં જેલભરો આંદોલન શરૂ કર્યું. જોકે, મુંબઇ પોલીસે એવો દાવો કર્યો છે કે જેલભરો આંદોલનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મરાઠા આંદોલનકારીઓએ પોતાની માગણી અંગે આજે બુધવારે પુણે-સોલાપુર હાઇવે જામ કરી દીધો હતો. ભારે સંખ્યામાં આંદોલનકારીઓ સડક પર ઉતરી આવ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. નોંધનીય છે કે મરાઠા ક્રાંતિ મોરચા સરકારી નોકરીઓ અને શિક્ષણમાં પોતાના સમુદાય માટે અનામતની માગણી કરી રહ્યો છે. આજે મરાઠા ક્રાંતિ મોરચાએ જેલભરો આંદોલનનું આહવાન કર્યું છે. મુંબઇના આઝાદ મેદાનમાં આંદોલન થશે. નોંધનીય છે કે અગાઉ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગત શનિવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી અને આ વિષય પર ચર્ચા કરાઇ હતી. પોલીસે જણાવ્યું કે ઔરંગાબાદ જિલ્લામાં ફુલાબરી તાલુકાના વદોદબાજાર ગામમાં ૧૭ વર્ષીય વિદ્યાર્થીએ કૂવામાં ભૂસ્કો મારીને આત્મહત્યા કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે પ્રદીપ હરિ મ્હેસ્કેને ૧૦મા ધોરણની પરીક્ષામાં ૭૫ ટકા માર્ક્સ મળ્યા હતા પરંતુ મરાઠા અનામત નહીં હોવાને કારણે એક જુનિયર કોલેજ અને ટેકનિકલ ટ્રેનિંગ સંસ્થામાં એનું એડમિશન ન થઇ શક્યું. મ્હેસ્કેની આત્મહત્યાથી મહારાષ્ટ્રમાં પ્રદર્શન વધુ ઉગ્ર થઇ ગયા છે. મરાઠા સમુદાયના લોકોએ ઔરંગાબાદ-જલગાંવ માર્ગ પર ‘રસ્તા રોકો’ પ્રદર્શન શરૂ કરી દીધું. પોલીસે જણાવ્યું કે મરાઠવાડા ક્ષેત્રના બીડ જિલ્લાના વીદા ગામમાં ૩૫ વર્ષીય ખેત મજૂર અભિજીત દેશમુખે પોતાના ઘરની નજીક એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે મરાઠવાડા ક્ષેત્રના લાતુર જિલ્લામાં મરાઠા અનામતની માગણી અંગે ૮ દેખાવકારોએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપન કરવાની કોેશિશ કરી હતી. મરાઠા સમુદાયના લોકો કહે છે કે રાજ્યની ભાજપના નેતૃત્વવાળી સરકાર દેખાવકારો સામે નોંધાયેલી ગુનાઇત કેસો પાછા લેવામાં નિષ્ફળ નીવડી છે અને આજે તેની સામે મરાઠા સમુદાયના લોકો મુંબઇમાં દેખાવ કરશે. લાતુર જિલ્લાના પોલીસ અધીક્ષક શિવાજી રાઠોડે જણાવ્યું કે લાતુર જિલ્લાના ઔસામાં તાલુકા અધિકારીની ઓફિસની બહાર આઠ લોકોએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે સમયસર દરમિયાનગીરી કરીને તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. દેખાવકારોની અટકાયત કરવામાં આવી છે.