(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
શહેરના નાનપુરા ટીમલિયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિ દ્વારા યુવતી સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં દિગમ્બર શાંતિ સાગર મહારાજ સામે ૧૬મી જાન્યુઆરીએ તહોમતનામું (ચાર્જફ્રેમ) કરવામાં આવી શકે છે. એવું ફરિયાદી અને પીડિતાના એડવોકેટ મુખત્યાર શેખ અને યાહ્ના શેખે જણાવ્યું હતું. જો કે, બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ દેસાઈ અને વિરલ ચલિયાવાળા દલીલો કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નાનપુરા ટીમલિયાવાડ ખાતે દિગમ્બર જૈન ઉપાશ્રય આવેલ છે. દિવાળી-૨૦૧૭ દરમિયાન દિગમ્બર જૈન મુનિ શાંતિ સાગર મહારાજે વડોદરા ખાતે રહેતી અને અમદાવાદ ખાતેની ફેશન ડિઝાઈનીંગ કોલેજમાં ભણતી એક યુવતિ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અઠવા પોલીસે આઈપીસી-૩૭૬ મુજબનો ગુનો નોંધી આરોપી અને જૈન મુનિ શાંતિ સાગરની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. જૈનમુનિ છેલ્લા ૧૪-૧૫ મહિનાથી લાજપોર જેલમાં છે. અઠવા પોલીસ મથકના પીઆઈ ભરવાડે આરોપી સામે ચાર્જશીટ રજૂ કરાયા બાદ તેની સામે ચાર્જફ્રેમ થવાનો હતો, પરંતુ હવે ૧૬મી જાન્યુઆરીના રોજ આરોપી સામે તહોમતનામું ફટકારવામાં આવી શકનાર હોવાનું ફરિયાદીના એડવોકેટ મુખત્યાર શેખે જણાવ્યું હતું.