(એજન્સી) નવી દિલ્હી, તા.૧
ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો છે. પાર્ટીના નેતા રાજ બબ્બરે કહ્યું કે ભાજપા અધ્યક્ષ ધર્મથી જૈન છે પણ તેઓ પોતાને હિન્દુ બતાવે છે. રાજ બબ્બરની આ પ્રતિક્રિયા રાહુલ ગાંધીની સોમનાથ યાત્રા બાદ આવી છે. રાહુલે તાજેતરમાં જ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી જ્યાં તેમનું નામ બિન-હિન્દુ ચોપડામાં નોંધાયું હતું. ત્યારબાદ હિન્દુ અને બિન-હિન્દુ પર વિવાદ શરૂ થયો હતો. બબ્બરે આ મુદ્દે કોંગ્રેસ ઉપાધ્યક્ષનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ શિવ ભક્ત છે અને તેમને ત્યાં ઘણા સમયથી ભગવાન શિવની પૂજા થઈ રહી છે. સોમનાથ મંદિરના વિવાદના બીજા દિવસે રાહુલે કહ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર શિવભક્ત છે પણ રાજકીય ફાયદા માટે તેઓ ધર્મનો ઉપયોગ નથી કરવા માંગતા. કોંગ્રેસ નેતા રાજ બબ્બરે આગળ કહ્યું કે ઈન્દિરા ગાંધી પણ રૂદ્વાક્ષ પહેરતા હતા જે માત્ર શિવ ભક્ત જ પહેરે છે. જાણીતી ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપતા રાજ બબ્બરે કહ્યું કે માણસ જ્યાં પેદા થાય છે ત્યાં જ તેનો ધર્મ હોય છે એવું ક્યાં લખ્યું છે ? તે ક્યાં ધર્મને માને છે, તેના આરાધ્યા કોણ છે તેના માટે તેઓ બૂમ-બરાડા નથી પાડતા, અહીંયા જો અમિત શાહ પોતાને હિન્દુ કહે છે પણ તેઓ જૈન છે પહેલાં તે નક્કી કરે કે તેઓ જૈન છે કે હિન્દુ ? કારણ કે જૈન ધર્મ તો અલગ છે ને ? ત્યાં જ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે શાહ સોમનાથ મંદિરના ટ્રસ્ટી છે અને તમને ખબર જ છે કે તેઓ કંઈપણ કરવા માટે સક્ષમ છે. તેઓ આ સ્તર સુધી આવી ગયા છે કે અમને બિન-હિન્દુ સાબિત કરવા માંગે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પહેલાં કહ્યું હતું કે, તેઓને ધર્મ વિશે કોઈપણ સર્ટીફિકેટ આપવાની જરૂર નથી ન તેઓ ધર્મને લઈ દલાલી કરે છે. તેઓએ એ પણ આરોપ લગાવ્યો કે ભાજપાના કેટલાક કાર્યકર્તાઓએ મંદિરમાં બિન-હિન્દુવાળા ચોપડામાં તેમનું નામ લખી નાંખ્યું હતું જેને કારણે વિવાદ થયો હતો.