(એજન્સી) જયપુર, તા.૧૮
ર૦૦૮ના વર્ષમાં જયપુરમાં થયેલ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ચાર આરોપીઓને દોષી ઠરાવ્યા છે અને એક આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા આદેશ કર્યો છે. ૧૩મી મે ર૦૦૮ના રોજ શહેરના જુદા જુદા સ્થળોએ ૮ સિરિયલ બોમ્બ બ્લાસ્ટો થયા હતા જેમાં ૮૦ વ્યક્તિઓના મોત થયા હતા અને ૧૭૬ ઘવાયા હતા. જયપુર બ્લાસ્ટના બે અન્ય આરોપીઓને નવી દિલ્હીના બાટલા હાઉસમાં ર૦૦૮માં થયેલ એન્કાઉન્ટરમાં પોલીસે મારી નાંખ્યા હતા. અજયકુમાર શર્માની કોર્ટે ચાર આરોપીઓ મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમ, સૈફુર્રહમાન અને મોહમ્મદ સલમાનને દોષી ઠરાવ્યા હતા. જ્યારે શાહબાઝહુસેનને મુક્ત કર્યા હતા. ગયા વર્ષે એક વર્ષમાં સુનાવણી ઝડપથી કરાઈ હતી જેમાં ૧ર૯૬ સાક્ષીઓના નિવેદનો નોંધાયા હતા અને ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષે પ્રશ્નો અને જવાબોની આપ લે પણ કરી હતી. ચારેય આરોપીઓને ઈપીકોની કલમો ૩૦ર, ૩૦૭, ૩ર૪, ૩ર૬, ૧ર૦-બી, ૧ર૧-એ અને ૧ર૪-એ, ૭પ૩-એ હેઠળ દોષી ઠરાવાયા હતા. એ ઉપરાંત એમની સામે આર્મ્સ એકટની કલમો હેઠળ પણ દોષી ઠરાવાયા છે. આ કેસમાંથી કોર્ટે આરોપી શાહબાઝહુસેનને મુક્ત કર્યા હતા કારણ કે, એમની સામે આક્ષેપો પૂરવાર થયા ન હતા. શાહબાઝે આ બ્લાસ્ટોની જવાબદારી સ્વીકારતા ઈ-મેઈલ મોકલ્યા હતા, એ પ્રકારના આક્ષેપો એમની ઉપર હતા. આ કેસમાં ફરિયાદ પક્ષે ૧ર૭ર સાક્ષીઓ રજૂ કર્યા હતા અને બચાવ પક્ષે ર૪ સાક્ષીઓ રજૂ કર્યા હતા. નોંધનીય છે કે, આ કેસની સુનાવણી કરી રહેલ સ્પે.કોર્ટે ગયા મહિને ચુકાદો અનામત રાખ્યો હતો. કેસમાં જયપુર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે ત્રણ આરોપીઓ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. એમની સામે એટીએસ તપાસ પૂર્ણ કરી શકી ન હતી. આ ત્રણેય આરોપીઓ દેશમાં થયેલ અન્ય બ્લાસ્ટોમાં પણ સામેલ છે. ૧૩મી મેએ પહેલો બ્લાસ્ટ ચાંદપોલ હનુમાન મંદિર અને એ પછી બીજો બ્લાસ્ટ સાંગાનેરી ગેટ ઉપર થયો હતો. એ પછી બડી ચૌપડ, જોહરી બજાર, છોટી ચૌપડ અને અન્ય ત્રણ સ્થળોએ બ્લાસ્ટો થયા હતા. બ્લાસ્ટો પછી રાજ્ય સરકારની વિનંતીથી સુપ્રીમકોર્ટે સ્પે.કોર્ટની રચના કરી હતી.