જયપુર, તા. ૩૧
જયપુર નગર નિગમે પોતાના કર્મચારીઓને દરરોજ સવારે રાષ્ટ્રગાન અને સાંજે રાષ્ટ્રીય ગીત ગાવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નગર નિગમ અનુસાર આનાથી નિગમના કર્મચારીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને દેશભક્તિ જાગશે. નગર નિગમના આ નિર્ણય બાદ જયપુરના મેયર અશોક લાહોટીએ જણાવ્યું હતું કે, જેમને રાષ્ટ્રગાન સામે વાંધો હોય તેઓ પાકિસ્તાન જતા રહે. લાહોટીએ જણાવ્યું હતું કે, જે દેશમાં રહો છો તે દેશના રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીતનો વિરોધ કરવો હોય તો કરે તેના માટે કોઇ મનાઇ નથી પરંતુ બાદમાં પાકિસ્તાન જતા રહો. હું જો નગર નિગમમાં કામ કરતો હોઉં અને તેનો જ વિરોધ કરૂ તો તેનો કોઇ અર્થ નથી. આ નિર્ણય મંગળવારે સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિવસ પ્રસંગે જારી કરાયો હતો. જયપુર નગર નિગમે આ નિર્દેશ સોમવારે જારી કર્યા હતા જેમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મંગળવારે સવારે ૯.૫૦ કલાકે રાષ્ટ્રીય ગીત અને સાંજે ૫.૫૫ કલાકે રાષ્ટ્રીય ગીત ગાવું અનિવાર્ય કરવામાં આવ્યું હતું. સવારે રાષ્ટ્રીય ગીત ગાયા બાદ હાજરી માટે બાયોમેટ્રિક મશીન કામ કરવાનું બંધ કરી દેશે. જયપુર નગર નિગમે આ નિર્દેશ જારી કરતા જણાવ્યું હતું કે, આ પગલાંથી અધિકારીઓમાં દેશભક્તિ પેદા થશે અને કામ કરવા માટેનો યોગ્ય માહોલ તૈયાર થશે. નિર્દેશ બાદ જયપુર નગર નિગમના મુખ્યમથકે કર્મચારીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું આ દરમિયાન નગર નિગમના મેયર અશોક લાહોટી પણ હાજર હતા. લાહોટીએ જણાવ્યું હતું કે, દિવસની શરૂઆત અને અંત રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત સાથે થવી જોઇએ જેનાથી સારૂ કાંઇ ન હોઇ શકે. આનાથી સકારાત્મકતા મળશે. અહેવાલો અનુસાર નગર નિગમના મુખ્યમથક સહિત તમામ ઝોન કાર્યાલયોમાં સ્પીકર લગાવવામાં આવ્યા છે. અશોક લાહોટીએ જણાવ્યું હતું કે, એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, રાષ્ટ્રીય ગીત અથવા રાષ્ટ્રીય ગીતના સમયે જે કર્મચારી જ્યાં છે ત્યાંજ તેના સન્માનમાં ઊભો થઇ જાય. એના માટે જરૂરી નથી કે તેણે ઝોનલ ઓફિસમાં આવવું પડે.