અમદાવાદ,તા.૧૧
ધોરાજીની ભાદર ડેમ-રમા કારખાનાના કેમિકલયુકત પાણી છોડાતાં પ્રદુષિત પાણીને લીધે ખેડૂતો પરેશાન છે. તેમજ લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. ત્યારે પ્રદુષણને અટકાવવા માટે સરકાર અને અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ શનિવારે ભૂખી ગામે ભાદર બચાવો અભિયાન હેઠળ મહાસભા યોજી જળ સમાધિ લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે જળ સમાધિ કરવા જાય તે પહેલા ધારાસભ્ય લલિત વસોયા અને પાસના કન્વીનર હાર્દિક પટેલની પોલીસે અટકાયત કરી હતી. જેને પગલે પોલીસ અને વસોયાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જો કે અટકાયત બાદ ધારાસભ્ય વસોયા અને હાર્દિકને જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા.
ભાદર નદી અને ભાદર-૨ ડેમમાં ભળતા જેતપુરના કારખાનાઓનાં કેમિકલયુક્ત પ્રદૂષણને અટકાવવાને બદલે તેને છાવરવામાં વ્યસ્ત સરકાર-પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે આજે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જળ સમાધિનો કાર્યક્રમ યોજ્યો હતો.
ભાદર નદીમાં પ્રદુષણ મુદ્દે જળ સમાધિ લે તે પહેલા લલિત વસોયાની અટકાયત કરી ડીવાયએસપી કચેરી લઈ જવામાં આવ્યા છે. લલિત વસોસાની સાથે ભાદર બચાવો ડેમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા હાર્દિક પટેલને પણ ડીવાયએસપી કચેરીએ લઈ જવાયા હતા.
ભૂખી ગામે ‘ભાદર બચાવો’ અભિયાનની મહાસભા બાદ બંને નેતાઓની અટકાયત બાદ જ ગ્રામજનોનો રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં હાર્દિક પટેલ અને લલિત વોસોયાના સમર્થકો જેતપુર ડીવાયએસપી કચેરીએ ઉમટી પડ્યા હતા.
ધોરાજીના ભૂખી ગામે ભાદર બચાવો અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યુ કે, જળસમાધિ લેવાની મને ઈચ્છા નથી. પરંતુ પ્રજાના પ્રશ્ને જે કાંઈ કરવુ પડશે તે કરીશ. તેમણે કહ્યુ કે મારો વિરોધ જેતપુરના ઉદ્યોગપતિઓ સામે નથી. પરંતુ પ્રદુષિત પાણી ઠાલવવામાં આવે છે ભાદર નદીમાં પ્રદુષણએ પ્રજાનો પ્રશ્ન છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્ને આગળ આવવુ તે મારી ફરજ છે. ભાદરના પાણી પીવાલાયક ન હોવા છતાં તે પીવા માટે આપવામાં આવે છે. પ્રદુષિત પાણીને લઈને મુખ્ય પ્રધાનથી માંડીને સંલગ્ન અધિકારીઓ સુધી વાતચીત કરી છે. છેલ્લે રાજ્યપાલને પણ રજૂઆત કરી. જોકે, હજુ સુધી આ પ્રશ્નો ઉકેલાયા નથી. અટકાયત બાદ લલિત વસોયાએ જણાવ્યું હતું કે હાર્દિક મારા સમર્થનમાં આવ્યો તેની અટકાયત કેમ કરાઈ ? ફરીથી આંદોલન વધુ ઉગ્ર બનાવાશે. જામીન પર છુટીને ફરી જળ સમાધિ કરીશ.
હાર્દિકે કહ્યું કે, “રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ચાલી રહી છે. લોકહીતના તમામ કામોમાં હાજર રહેવાની ફરજ છે. ગુજરાતની નદીઓમાં આવી જ રીતે કેમિકલવાળું પાછી છોડવામાં આવશે તો જમીન ખરાબ થઈ જશે. આ કોઈ આતંકવાદીની સભા નથી કે આટલી બધી પોલીસ ખડકી દેવામાં આવી છે.”
“લલિત વસોયાના સમર્થન માટે હું અહીં આવ્યો છું. લોકહીતના કામોમાં જોડાવવાની મારી ફરજ છે. જો આવા સમયે હું તેમની સાથે હાજર ન રહું તો હું નકામો છું તેવું સાબિત થાય.”ભૂખી ગામનાં સરપંચ ગોવિંદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રદૂષણનો પ્રશ્ન હલ નહીં થાય તો સમગ્ર ગ્રામજનો જળસમાધિ લઈ લેશે. જળ સમાધિ કાર્યક્રમ વેળા હાર્દિક પટેલ કોંગી ધારાસભ્યો બરીજેશ મેરજા, ભીખાભાઈ જોશી, પ્રતાપ દુધાત, પરસોત્તમભાઈ સાબરિયા, બાબુભાઈ વાજા, ચિરાગ કાલરિયા, પ્રવીણ મુછડિયા સહિતના હાજર રહ્યા હતા. હજારો સમર્થકો ભાદર નદી ખાતે ઉપસ્થિત રહી ધારાસભ્યની લડતને વેગ આપવા તેમની સાથે જળ સમાધિ લેવા તત્પર હતા. ત્યારે ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરતા તેમના સમર્થકોમાં ભારે રોષ મળેલ હતું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. કોઈપણ નાગરિક નદી તરફ જઈ શકયું ન હતું.