(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૯
ઉનાળાના એપ્રિલ માસના અંત સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પાણી માટેનો પોકાર શરૂ થઈ જવા પામ્યો છે. કચ્છ જિલ્લામાં જળાશયોમાં પાણી નામ માત્ર જ હોઈ આખો ઉનાળો કેવી રીતે કાઢવો તેવો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. તો પાટણના છેવાડાના ગામોમાં પાણીના અભાવે ટેન્કરોની રાહ જોતા લોકો ટળવળી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં તો ૧૮ હજાર લોકોને ૧ર દિવસે પીવાનું પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.
ઉનાળાની શરૂઆતમાં સરહદી કચ્છ જિલ્લામાં છેવાડાના ગામોમાં પીવાના પાણી માટે વલખા માટે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છના મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થઇ ચૂક્યા છે. હાલમાં ૧૭ ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. જ્યારે કે, કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડેમ, રાપર તાલુકાના સુવઈ અને ફતેહગઢ ડેમ નર્મદા નીરથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છના જળાશયો સુકાઈ જતા આકારો ઉનાળો પાણી વગર કેવી રીતે નીકળશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. જ્યારે પાટણના છેવાડાના ગામમાં પાણીની પારાયણથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. સાંતલપુર તાલુકાના રપ ગામો છે. જ્યાં પાણી ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવે છે. લોકોને મહત્વના કામો પડતા મુકી પાણી માટે લાઈનમાં ઉભુ રહેવું પડે છે. પાટણના છેવાડાના ગામ સાંતલપુરના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી પાણીની પારાયણ ૩પ૬ દિવસના ચોવીસો કલાક રહે છે.
આ વિસ્તારના ગ્રામજનોને પાણી ટેન્કર દ્વારા પુરૂં પાડવામાં આવે છે. ગામોમાં પાણીના ટાંકા તો છે પરંતુ ખાલીખમ એક એક બેડા માટે પાણીથી તરસતા લકોના આ દ્રશ્યો સરકારની વિકાસની પોલ ખોલી છે. પાણીનું ટેન્કર દર ચાર દિવસે આવતું હોવાથી ગામના મોટાથી બાળક સુધીના સૌ કોઈ ગ્રામજનો તેના મહત્વના કામો પડતા મુકી પાણી માટે લાઈન લગાવે છે. સુરેન્દ્રનગરના સાયલા ગામમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આશરે ૧૮ હજાર લોકો સાયલામાં રહે છે જેમને ૧૨ દિવસે પીવા માટે પાણી મળે છે. જ્યારે બીજી બાજુ થોરીયાળીના જેમ મરફતે સાયલાને પાણી પુરૂ પાડવા માત્ર આવે છે પરંતુ હાલ આ ડેમ સુક્કો ભટ બન્યો છે. અને સાથે ૨૪ ગામોને સિંચાઈ માટે પણ પાણી નથી, તો સાયલાના લોકોને પાણી માટે ૧ કિલોમીટર દૂર પાણી ભરવા માટે જવુ પડે છે અને ૩૦૦ રૂપિયા આપી અઠવાડિયામાં એક વાર ટેન્કરનુ પાણી લાવી ગુજરાન ચલાવુ પડે છે. અહીં કરોડોના ખર્ચે ૨૦૦૧માં ચોખ્ખુ પાણી મળે તે માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવામાં આવ્યો હતો પણ હવે આ પ્લાન્ટ કબુતરખાનુ બની ગયું છે.