(એજન્સી) નવી દિલ્હી,તા.૧૭
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં જામિયા મિલ્લીયા ઇસ્લામિયા યુનિવર્સિટી ખાતે દેખાવકારો સામે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીની ૧૯૧૯ના જલિયાંવાલા બાગના નરસંહાર સાથે સરખામણી કરી છે. શિવસેનાના વડાએ પત્રકારોને જણાવ્યું કે જામિયા મિલ્લીયા ઇસ્લામિયામાં જે થયું તે જલિયાંવાલા બાગ જેવું છે. તેમણે એવું પણ કહ્યું કે ‘વિદ્યાર્થીઓ યુવા બોમ્બ’ જેવા છે. આથી અમે કેન્દ્ર સરકારને વિદ્યાર્થીઓ સાથે તેઓ જે કરી રહ્યા છે, તે ન કરવાની વિનંતી કરીએ છીએ. ઉદ્ધવ ઠાકરેએ એપ્રિલ ૧૯૧૯માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં ભેગા થયેલા ૪૦૦ નિર્દોષ અને નિશસ્ત્ર લોકોના નરસંહારનો ઉલ્લેખ કર્યો હતો. જનરલ ડાયરના આદેશથી બ્રિટિશ સૈનિકો દ્વારા આ નરસંહાર કરવામાં આવ્યો હતો. જનરલ ડાયરે બ્રિટિશ સૈનિકોને ગોળીઓ પુરી નહીં થાય ત્યાં સુધી ફાયરિંગ બંધ નહીં કરવાનો આદેશ આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જામિયા યુનિવર્સિટીમાં સર્જાયેલી હિંસા માટે પોલીસની ટીકા કરી છે. નાગરિકતા સુધારા કાયદા સામે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ દરમિયાન નવી દિલ્હીમાં જામિયા મિલ્લીયા ઇસ્લામિયા યુનિવર્સિટીની બહાર રવિવારે સાંજે હિંસા ફાટી નીકળી હતી. દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાયા બાદ બસોને આગ ચાંપવામાં આવી હતી.