લંડનના મેયર સાદિક ખાને આ નરસંહાર બદલ બ્રિટનને માફી માંગવા જણાવ્યું હતું
(એજન્સી) લંડન, તા.૮
બ્રિટને વર્ષ ૧૯૧૯ના જલિયાવાલા બાગ નરસંહાર અંગે સત્તાવાર રીતે માફી માંગવાના લંડનના મેયર સાદિક ખાનના આહ્‌વાનથી આંતર રાખતા જણાવ્યું હતું કે, બ્રિટને ભૂતકાળમાં આ શરમજનક કૃત્યની આકરી ટીકા કરી હતી. બ્રિટનના વિદેશ મંત્રાલયે આ નિવેદન આપ્યું હતું. ખાને પોતાની અમૃતસર યાત્રા દરમિયાન જણાવ્યું હતું કે, આ કત્લેઆમ માટે બ્રિટિશ સરકારે માફી માંગવી જોઈએ. પાકિસ્તાની મૂળના સાદિક ખાને જણાવ્યું હતું કે, હવે આ શરમજનક કૃત્યને ૧૦૦ વર્ષ થનાર છે ત્યારે બ્રિટને માફી માંગવી જોઈએ. ખાનના આ નિવેદન બાદ વિદેશ મંત્રાલયે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂનના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. કેમરૂને ર૦૧૩માં જલિયાવાલા બાગની મુલાકાત લઈ જણાવ્યું હતું કે, આ ઘટના બ્રિટન માટે ખૂબ જ શરમજનક કૃત્ય છે અને આપણે તેને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. આ ઘટનામાં જાન ગુમાવનારા લોકો પ્રત્યે અમે સન્માન વ્યક્ત કરીએ છીએ. બ્રિટન સરકારે આ ઘટનાની ટીકા કરી હતી. કેમરૂને જણાવ્યું હતું કે, ઈતિહાસમાં પાછળ જવું અને બ્રિટનના ઉપનિવેશવાદની ભૂલો અંગે માફી માંગવું ખોટું ગણાશે.