જૂનાગઢ, તા.ર૧
રપ ઓગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલન કરવાનું પાસનું આયોજન હોય આ ઉપવાસ આંદોલનને મંજૂરી આપવા જૂનાગઢ પાસના કાર્યકરોએ વહીવટીતંત્રને આવેદનપત્ર આપી માંગ કરી છે. પાસના કાર્યકરો સાથે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી પણ જોડાયા હતા. રપ ઓગસ્ટે અમદાવાદના નિકોલ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાના છે. જો કે આંદોલન શરૂ થાય તે પહેલાં જ સરકારે હાર્દિક પટેલ સહિત પાસના પથી વધુ કાર્યકરોની અટકાયત કરી છે અને આમરણાંત ઉપવાસ આંદોલનને મંજૂરી આપવામાં આવી નથી ત્યારે આ બાબતે વિરોધ પ્રદર્શિત કરવા અને આમરણાંત ઉપવાસ આંદોલનની મંજૂરી આપવાની માંગ સાથે ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરે પાટીદારો પાસના કાર્યકરો એકઠા થયા હતા અને સિદ્ધનાથ મહાદેવના આશિષ લઈ જિલ્લા વહીવટી તંત્રને આવેદન આપ્યું હતું. આ તકે વિશેષ ઉપસ્થિત રહેલા ગાંધી ચિંધ્યા માર્ગે થનાર આંદોલનને મંજૂરી ન આપીને લોકશાહીનું હનન કરી રહી છે. જ્યારે પાસના જલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ શાંત અને સમજદાર વર્ગ હોવા છતાં સરકાર તરફથી અનેકવાર બિનજરૂરી હેરાનગતિ અને કનડગત કરવામાં આવી રહી છે. લોકશાહી દેશમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું કોઈ ગુનો ન હોવા છતાં પણ સરકાર બ્રિટિશરાજની જેમ વર્તી રહી છે. ત્યારે અમારા પાસના જે કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તેને મુક્ત કરવામાં આવે અને આમરણાંત ઉપવાસ આંદોલનની મંજૂરી આપવામાં આવે એ જ અમારી માંગ છે. સરકાર મંજૂરી આપે તો ઠીક છે. બાકી જો મંજૂરી નહીં આપે તો પણ આંદોલન તો થશે જ તેવો પડકાર જલ્પેશ પટેલે કર્યો હતો.
જો કે તંત્રએ સાવચેતીના ભાગરૂપે ઝાંઝરડા રોડ અને કલેક્ટર કચેરીએથી પોલીસના ધાડેધાડા ઉતારી દીધા હતા.