અમદાવાદ,તા.૧ર
જમીન વિકાસ નિગમમાં ભ્રષ્ટાચારનો મામલો બહાર આવ્યાના ગણતરીના કલાકોમાં જ રાજ્યની ભાજપ સરકારે મોટા ઉપાડે જળસંચય અભિયાનની જાહેરાત કરી છે જો કે આ યોજના વર્ષોથી ચાલી આવતી સરકારી યોજનાઓ જ છે. તેમાં કશું જ નવું નથી. જો કે આ તરકટ ઊભું કરવા પાછળ સરકારનો મુખ્ય હેતુ જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે હતો એટલે જળસંચય અભિયાન એ સામૂહિક ગેરકાયદે ભ્રષ્ટાચાર છે. ત્યારે જમીન અધિકાર નિગમમાં ભ્રષ્ટાચાર મામલે સરકાર, મંત્રી અને વહીવટી અધિકારી પોતાની ફરજ ચૂકયા છે તે તેમણે પોતાની ભૂલ સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ. એમ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું.
PUCL સંગઠન ગુજરાત સાથે જોડાયેલા પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે જળ સંચય અભિયાન મે-ર૦૧૮માં એક માસ માટે ચલાવવામાં આવ્યું છે તે વર્ષોથી ચાલી આવતી સરકારી યોજનાઓ જ છે અને એમાં કશું જ નવું નથી. આ તરકટ ઊભું કરવા પાછળ સરકારનો સ્પષ્ટ અને દેખીતો હેતુ એ હતો કે સરકારની એ યોજનાઓનો અમલ જમીન વિકાસ નિગમ દ્વારા થતો હતો. પણ એમાં ખૂબ જ ભ્રષ્ટાચાર પકડાયો. તેની સાબિતી નિગમના અધિકારીઓના ઓફિસના ટેબલના ખાનામાંથી લાખો રૂપિયા એસીબીના દરોડા દરમ્યાન રોકડા મળ્યા તેમાંથી મળી હતી. એટલે જ એ કૌભાંડ બહાર પડયાના ગણતરીના કલાકોમાં જ સરકારે મોટે ઉપાડે આ જળ અભિયાનની જાહેરાત કરી. આથી જળસંચયની વિવિધ યોજનાઓ જમીન વિકાસ નિગમ પાસેથી લઈ લેવામાં આવી અને તે નર્મદા અને જળસંપતિ વિભાગને સુજલામ સુફલામના નામે આપી દેવામાં આવી. હકીકત તો એ છે કે સુજલામ સુફલામ યોજના પોતે જ કરોડો રૂપિયાનું એક મોટું કૌભાંડ હતું. તેના વિશે તો ‘કેગ’ના અહેવાલોમાં ભારે ટીકાઓ થઈ હતી. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અને અન્ય સરકારી સમિતિઓએ સુજલામ સુફલામ યોજનાને કૌભાંડી જ જાહેર કરી હતી અને એ કૌભાંડમાં તો કોઈ જ વ્યકિતને સજા સુધ્ધાં થઈ નથી. તો પણ સરકારે એ જ નામે આ કહેવાતું જળઅભિયાન ચલાવ્યું એ આશ્ચર્યજનક છે. ખોટા પ્રચાર અને જળસંચયના નાટકથી આ કૌભાંડ ઠંકાશે નહીં આવા નિગમોમાં આવતા ભ્રષ્ટાચાર રોકાશે નહીં.
આગામી સમયમાં અમે સ્વૈચ્છીક સંગઠનો સાથે મળીને સરકારના આવા નિગમો બંધ કરવા માંગ કરીશું. જો સરકાર આવા સંગઠનોને બંધ નહીં કરે તો અમે આવા સંગઠનોને તાળાં મારવા જઈશું. જયારે રોહિત શુકલાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદીએ નોટબંધી કરીને દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરી હતી પરંતુ મોદીના જ ગુજરાતમાં જમીન વિકાસ નિગમમાંથી અડધો કરોડની રોકડ સાથે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. તેના પરથી નોટબંધીથી ભ્રષ્ટાચાર નાબુદ કરવાનો હેતુ સર થયો નથી તે સ્પષ્ટ થાય છે જો કે જળસંચય અભિયાનમાં પહેલાં એનજીઓને જોડવાની વાત કરી પરંતુ તેમણે કઈ રીતે કામ કરવું ? શું કામ કરવું ? તેની કોઈ જ સ્પષ્ટતા કરી નથી. ત્યાર પછી શિક્ષકોને જોડવાની વાત કરી શિક્ષકોને આ કાર્યમાં શું કામ જોડવા જોઈએ ? જો શ્રમદાનમાં જોડવા જ હોય તો શિક્ષકો નહીં પણ ધારાસભ્યો પાસે શ્રમદાન કરાવવું જોઈએ. જો કે વરસાદના પાણીને લાવવા માટે વહેણાનું આયોજન કરવું જોઈએ પરંતુ તેવી કોઈ વ્યવસ્થા જ કરાઈ નથી. એટલે પાણી મામલે સરકારને સંવેદના જ નથી તેવું લાગી રહ્યું છે.

મશીનરી અને શ્રમદાન વધ્યા તો પાણી સંગ્રહ ક્ષમતા કેમ ના વધી ?

સામાજિક કાર્યકર મહેશ પંડયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જળસંચય યોજનામાં સરકારે પહેલા જાહેરાત કરી કે ૩૪પ કરોડનો પ્રોજેકટ છે. ત્યાર બાદ તા.૩૧ મે ના રોજ સરકાર તરફથી જ કહેવાયું આ પ્રોજેકટ રૂા.ર૦૦ કરોડનો છે. તો ખરેખર પ્રોજેકટ કેટલા કરોડનો છે તે સરકારે સ્પષ્ટ કરવું જોઈએ. શરૂઆતમાં આ પ્રોજેકટમાં પર૭ જેસીબી, બે હજાર ટ્રેકટર અને ર૭ હજાર મજૂરોને જોડવાની વાત થઈ હતી ત્યાર બાદ એવું કહેવાયું કે આ જળ અભિયાનમાં પર૭ના બદલે ૪૬૦૦ જેસીબી મશીન, બે હજાર બદલે ૪ર હજાર ટ્રેકટર અને ર૭ હજારના બદલે ૩ લાખ મજૂરો જોડાયા હતા. એટલે મશીનરી વધી તો જળસંચયમાં પાણીના સંગ્રહની ક્ષમતા પણ વધવી જોઈએ. એટલે ટકાવારી પ્રમાણે પાણીની નિર્ધારીત સંગ્રહ ક્ષમતા કરતા ૮ ટકા પાણીની સંગ્રહ ક્ષમતા વધવી જોઈએ. પરંતુ અહીં તો પાણીની સંગ્રહ ક્ષમતા વધવા મામલે કોઈ સ્પષ્ટતા જ કરાઈ નથી. જો કે જળસંચય અભિયાનની શરૂઆત વખતે મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીએ કહ્યું હતું કે અભિયાન પુરૂ થવાના અંતિમ દિવસે અમે હિસાબ આપીશું. જો કે અભિયાન પુરૂ થવાને ૧ર દિવસ વીતિ ગયા છતાંય વાયબ્રન્ટ સરકારને હિસાબ કરતા જ આવડતું નથી તો હજુ સુધી હિસાબ આપ્યો નથી.

જળસંચય અભિયાનથી ૧૦ ટકા ગુજરાતીઓને પણ પાણી મળશે નહીં

PUCL દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સુરેશ મહેતા, ગૌતમ ઠાકર, પ્રવિણસિંહ જાડેજા, મહેશ પંડયા, રોહિત શુકલ, સહિતના અગ્રણીઓએ જળસંચય અભિયાન મામલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં જણાવ્યું હતું કે જળસંચય અભિયાન વાતોનાં વડાં છે તેનાથી ૧૦ ટકા ગુજરાતીઓને પણ પાણી નહીં મળે. રાજયના ૧ લાખ તળાવોમાંથી માત્ર ૧૩ હજાર તળાવો જ ઊંડા કરવામાં આવ્યા છે. બાવન લાખ ખેડૂતો સામે માત્ર ર.૬૧ લાખ જ ખેત તલાવડી છે. રાજયમાં પપ ટકા ગામોમાં એટલે ૧૦,ર૮૮ ગામોમાં પીવાનું પાણી ખરાબ આવે છે એટલે ત્યાં ટેન્કર રાજ ચાલે છે ‘સરદાર પટેલ સદભાગી જળસંચય યોજના’ રાજય સરકાર ઘણા લાંબા સમયથી ચલાવે છે હવે સરકારે આ યોજનાને જ સુજલામ સુફલામ જળ અભિયાન ર૦૧૮નું નવું નામ આપીને અભિયાન ચલાવી લોકોને છેતરવામાં આવી રહ્યા છે.

જળસંચય અભિયાન હેઠળ નીકળેલી માટી ટ્રેક્ટર દીઠ રૂા.૮૦૦ના ભાવે વેચાઈ

મુખ્યપ્રધાને આ જળ અભિયાન વિશે એવી જાણકારી પણ કરી હતી કે, ‘તળાવો-ચેકડેમો ઉંડા કરવાથી ઉપલબ્ધ થનારી ફળદ્રુપ માટી એક પણ પૈસાની રોયલ્ટી લીધા વિના આપશે.’ પણ હકીકત કંઈક જુદી જ છે. જેમ કે, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં આ અભિયાન માટે પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને તેમાં મશીનો દ્વારા કામ કરવામાં આવ્યું અને નીકળેલી માટી એક ટ્રેક્ટરના રૂા.૩૦૦થી રૂા.૮૦૦ સુધીના ભાવે વેચવામાં આવી છે એનો અર્થ એ થયો કે, રૂા.૩૪૫ કરોડના આ કહેવાતા જળ અભિયાનમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. સરકારે પોતે જ રિચાર્જની સુચારૂ વ્યવસ્થા ઊભી થાય તેને માટે કામ કર્યું નથી. વળી ઘણા તળાવોમાં જમીનના ઢોળાવનો ખ્યાલ રખાયો ન હોવાથી પાણી તળાવોમાં પ્રવેશી જ શકતું નથી. સરકારે આ અભિયાન જાહેર કરતી વખતે એમ પણ કહ્યું હતુું કે, આ જળ અભિયાન પર દેખરેખ રાખવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક સમિતિ રચાશે. જો સમિતિ હોય અને દેખરેખ રાખતી હોય તો તેને માટી વેચાઈ તેની પર શી દેખરેખ રાખી ? સરકારે એ સમિતિનો અહેવાલ તત્કાલ જાહેર કરવો જોઈએ. સરકારને ભ્રષ્ટાચાર રોકવામાં રસ છે કે, પછી ભ્રષ્ટાચારીઓના ચાલ, ચરિત્ર અને ચહેરા બદલવામાં રસ છે. મનરેગા હેઠળ ૧૦૦ દિવસની રોજગારી દરેક પરિવારને આપવાની હોય છે. જો આ જળ અભિયાન હેઠળ જ ખર્ચ કરી નાખવામાં આવે તો આખા વર્ષ દરમિયાન કેવી રીતે રોજગારી પૂરી પાડી શકાશે ? એનો અર્થ એ થયો કે, મનરેગા હેઠળ આખું વર્ષ ગ્રામ વિસ્તારોમાં રોજગારી નહીં મળે. બીજી તરફ શિક્ષકો પાસે ફરજિયાતપણે આ ઉનાળાના ધોમ ધખતા તાપમાં મજૂરી કરાવાઈ છે. સમગ્ર શિક્ષક સમાજનું આ શોષણ છે. સંસ્કૃતિના ગુણગાન કરાવનારી સરકારે ૭૦ વર્ષમાં પહેલીવાર શિક્ષકોને મજૂર બનાવ્યા !!