(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૧ર
જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી સભ્યોની માગણીના અનુસંધાને આજે રીક્વિઝેશન બેઠક બોલાવવામાં આવી હતી જેમાં શહેરના લોકેશન ફેકટર થતા વેરા વધારો, સફાઈ, લાઈટના પ્રશ્ને વિપક્ષના સભ્યોએ તડાપીટ બોલાવી હતી. ખાસ કરીને આગામી ઉનાળામાં પીવાના પાણીની તંગી ઉત્પન્ન થશે તો શું આયોજન છે ? તે અંગે અધિકારી દ્વારા આગોતરા આયોજન અંગે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. જો કે, નર્મદાના નીર પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવી હૈયાધારણા ગૃહમાં આપવામાં આવી હતી. ત્યારે દેવસી આહિરે પ્રશ્ન કર્યો હતો કે નર્મદાના પાણીના ૧૪૪ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. તે પાણી પુરવઠો બંધ કરશે તો…? ત્યારે મેયર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, તમામ પ્રકારનું આયોજન છે, અને સરકારે પણ પાણી આપવાની ખાત્રી આપી છે. આથી કોઈ તકલીફ નગરજનોને થશે નહીં. આનંદ રાઠોડે વેરા વધારા અંગે વિરોધ પ્રદર્શિત કર્યો હતો, અને પ્રાથમિક સુવિધા પણ મળતી ન હોય તે વિસ્તારમાં વેરા બિલો આપવામાં આવ્યા છે. તે નિયમ વિરૂદ્ધ છે, તેમ જણાવ્યું હતું.
અસ્લમ ખીલજીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, મકવાણા મહારાજા, રંગમતી, સેટેલાઈટ, મોરકંડા રોડની સોસાયટીમાં સુવિધા મળતી નથી અને વેરાના ખોટા અને મસમોટા બિલ આપવામાં આવ્યાં છે. જે વ્યાજબી નથી. નગર સીમ વિસ્તારની હાલત કફોડી બની છે. સુજલામ સુફલામ યોજના અન્વયે એક કલાક પણ કામ થયું નથી, છતાં ખોટા બિલો બની રહ્યાં છે. આમ સોલીડ વેસ્ટ શાખામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો.
વિપક્ષી નેતા અલ્તાફ ખફીએ પાછલા બારણેથી વેરા વધારો કરવામાં આવતા તેનો વિરોધ નોંધાવ્યો હતો.
લોકેશન ફેક્ટરના નામે ૧ર૦૦ના રર૦૦નો વેરો કરી નાંખવામાં આવ્યો છે. આ ઉપરાંત આનંદ ગોહિલ, જેનબબેન ખફી, નિનાબેન પરમાર વગેરેએ સફાઈ, લાઈટનો પ્રશ્નો રજૂ કર્યા હતાં.