(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
સરકારે છેવટે ફાઈલ શોધી કાઢી છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા શાહી ઈમામને લખાયેલ પત્ર છે. જે દ્વારા એમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, દિલ્હીની જામા મસ્જિદ જે ઐતિહાસિક મસ્જિદ છે એને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં નહીં આવશે. દિલ્હી હાઈકોર્ટમાં સરકારે સોગંદનામુ દાખલ કરી જણાવ્યું હતું કે, “જેમ કે ફાઈલ ખૂબ જ જૂની છે અને ફાઈલને કોઈ નંબર પણ ફાળવાયેલ નથી અને એ સામાવાળાઓ પાસે પણ નથી અને અરજદારે પણ કોઈને બતાવાયેલ નથી જેથી સરકાર ફાઈલ શોધવામાં સફળ રહી નથી.” જો કે, એમણે છેલ્લે ઉમેર્યું છે કે, ઘણા બધા પ્રયાસો પછી એમને ફાઈલ મળી છે અને આગામી સુનાવણીની તારીખે રજૂ કરીશું. એમણે વધુમાં જણાવ્યું, જો કે જામા મસ્જિદને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલ નથી પણ તેમ છતાંય સરકારે એની સારસંભાળ અને મરામતનો ખર્ચ સમયાંતરે કર્યો છે. જેથી આ ઐતિહાસિક સ્મારક જાળવી શકાય. સરકારે એની વિગતો પણ રજૂ કરી હતી. સરકારે વધુમાં જણાવ્યું છે કે, ૧૯૫૫થી ૨૦૧૫ સુધી સરકારે મરામત અને જાળવણી પેટે ૨.૭૪ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. ભારતીય પુરાતત્ત્વ વિભાગે સળંગ એની જાળવણી કરી છે. ૨૩મી ઓગસ્ટે ર૦૧૭ના રોજ હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે, જામા મસ્જિદને લગતો સમગ્ર રેકર્ડ કોર્ટમાં રજૂ કરવામાં આવે. અમે જાણવા માંગીએ છીએ કે, યુપીએ-ર સરકારે આ સ્મારકને કયા કારણે રક્ષિત સ્મારક જાહેર નથી કર્યું. આદેશને ફરી નવેમ્બર ર૦૧૭માં દોરવવામાં આવ્યો હતો. ફાઈલમાં મનમોહનસિંહ દ્વારા લખેલ પત્ર છે. જે મનમોહનસિંહે વડાપ્રધાન પદ સંભાળ્યા પછી ૨૦૦૪માં શાહી ઈમામને લખ્યું હતું. જેમાં એમને આશ્વાસન અપાયું હતું કે, મસ્જિદને રક્ષિત સ્મારક જાહેર નહીં કરવામાં આવશે. હાઈકોર્ટે ર૭મી ફેબ્રુઆરીએ સાંસ્કૃતિક મંત્રાલયને આદેશ કર્યો કે, સ્મારકની વસ્તુ સ્થિતિ રજૂ કરવામાં આવે એ સાથે ફાઈલ પણ રજૂ કરવામાં આવે. સરકારે ફાઈલ મળતી નથી એ પ્રકારની રજૂઆત કરી હતી. જેના પગલે હાઈકોર્ટે આદેશ કર્યો હતો. હાઈકોર્ટમાં સુહેલ અહમદખાને અરજી દાખલ કરી માગણી કરી હતી કે, જામા મસ્જિદને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવે. જેની અરજીના પગલે હાઈકોર્ટે આદેશો આપ્યા હતા. રક્ષિત સ્મારકનો ઉપયોગ મીટિંગો, પાર્ટીઓ, કોન્ફરન્સો અને મનોરંજન અને અન્ય કોઈ પ્રકારના કાર્યક્રમો માટે કરી શકાતું નથી. એ પહેલાં કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે છે.