અમદાવાદ, તા.૪
જમાલપુરમાં બાઈક અથડાતા થયેલા જૂથ અથડામણમાં સાત જેટલા લોકોને ઈજા થઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે ગાયકવાડ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને ૧૧ લોકોની અટકાયત કરી છે. શહેરના ખમાસાના ભઠિયારવાડ રવિવારે બનેલા બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદમાં મોહંમદહનીફ ગુલામમયુદ્દીન શેખે (રહે. ભઠિયારવાડ મુસાભાઈના ગેરેજ પાછળ ખમાસા, જમાલપુર) જણાવ્યું હતું કે બપોરના આશરે સાડા ત્રણથી પોણા ચાર વાગ્યાના સુમારે હું મહેમૂદભાઈ માડેવાલાને ત્યાં રોટલી વણવાનું કામ કરતો હતોે તે દરમિયાન મેં જોયેલું કે ફાતમાબેન માંડેવાલાનો ભાઈ અમીન કે જે ચાલતા આવતો હતો ત્યારે શાહરૂખખાન પઠાણના ઘર પાસેથી પસાર થતા શાહરૂખ મોટર સાઈકલ પરથી ઉતરવા જતા શાહરૂખનો પગ અમીનને વાગી જતા જે તેઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ અને આ અદાવત રાખી તેની સાથેનો નઈમ શેખ બોલાચાલી ઝઘડો કરવા લાગ્યો હતો તે દરમિયાન બંને વચ્ચે છુટા હાથથી મારામારી થયેલી અને આ વખતે ખમાસા ભઠિયારવાડમાં રહેતા અખ્તરબાપુનો છોકરો નામે સોએબ તથા શબ્બીરહુસેન એહમદભાઈ (તમામ રહે. નુરાની ચોક, ભઠિયારવાડ, ખમાસા) તેમજ મુઝફર ઉર્ફે ભુરો (રહે.મારૂવાસ, ખાટકીવાડ, ખમાસા) આ દરમિયાન ભઠિયારવાડમાં કામ કરતા બધા માણસો ભેગા થઈ ગયેલા ત્યારે સામે પક્ષે ઉપરોક્ત માણસો તથા બીજા ૮થી ૧૦ માણસો ભેગા મળી કોઈ જુની અદાવત લીધે એકદમ પથ્થરમારો કરવા લાગેલ આ વખતે પથ્થરમારો થતા બંને પક્ષના ઘણા લોકોને વાગી ગયેલ અને નાની મોટી ઈજાઓ થઈ છે જેમાં હું વચ્ચે છોડાવવા પડતા મને પણ માથા પર જમણા હાથના પંજા પર વાગી ગયેલું. આ વખતે ઘણા બધા લોકો એકઠા થઈ ગયેલા જેમાં કોઈએ પોલીસને જાણ કરતા પોલીસની ગાડીઓ થોડીવારમાં ત્યાં આવી જતા આ બધા માણસો ત્યાંથી નાસી ગયેલા આ પથ્થરમારામાં મને તથા મોહંમદ હનીફ ચાંદભાઈ શેખ તથા અકરમ નુરજમાલ શેખ તથા મોહમદ યામીન મોહમદ યાસીન શેખ તથા મોહમદ હનીફ મયુદ્દીન શેખનાઓને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે તેથી શાહરૂખખાન પઠાણ તથા બીજા ઉપર જણાવેલા પાંચ માણસો તથા બીજા ૮થી ૧૦ જેટલા મળતિયા માણસોએ ભેગા મળી ગેરકાયદેસરની મંડળી બનાવી અગાઉના ઝઘડાની અદાવત રાખી પથ્થરમારો કરી મને તથા ફરિયાદમાં જણાવેલા બીજા માણસોને શરીરે ઈજાઓ કરેલી હોવાથી તેઓ વિરૂદ્ધ કાયદેસર ફરિયાદ છે. જ્યારે સામા પક્ષે શાહરૂખખાન ફરીદખાન પઠાણે (રહે.ભઠિયારવાડ, ખમાસા) પણ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, આજરોજ બપોરના આશરે સાડા ત્રણથી પોણા ચાર વાગ્યાના સુમારે હું મોટર સાયકલ લઈ મારા ઘર પાસે આવેલા આ વખતે ગાડી નીચે ઉતરતા ત્યાંથી પસાર થતા મહેમૂદભાઈ માડેવાલાને ત્યાં રોટલી વણવાનું કામ કરતો હતો તે દરમિયાન મેં જોયેલ કે ફાતમાબેન માંડેવાલાનો ભાઈ અમીન કે જે ચાલતા આવતો હતો ત્યારે મારો પગ તેને અડી જતા મારે તેની સાથે બોલાચાલી ઝઘડો થયેલો આ વખતે તેનું ઉપરાણ લઈ મોહંમદહનીફ માડેવાલા તથા મોહમદયામીન શેખ તથા અકરમ નુરજમાલ શેખ તથા મોહમદજાકીર ચાંદભાઈ તથા ઈમરાન ચાંદભાઈ (તમામ રહે.નુરાની ચોક, ભઠિયારવાડ, ખમાસા) તેમજ બીજા ૧૦થી ૧પ માણસો ભેગા મળી કોઈ જુની અદાવત લીધે એકદમ પથ્થરમારો કરવા લાગેલા. પથ્થરમારો થતા બંને પક્ષના ઘણા લોકોને વાગી ગયેલા અને નાની મોટી ઈજાઓ થઈ છે જેમાં મને ડાબા હાથે તથા માથામાં ઈજા થયેલ તથા નઈમ નાસીરહુસેન શેખને પણ માથામાં ઈજા થઈ હતી. આ વખતે ઘણા બધા લોકો એકઠા થઈ ગયેલા. જેમાં કોઈએ પોલીસને જાણ કરતા પોલીસની ગાડીઓ થોડીવારમાં ત્યાં આવી જતા આ બધા માણસો ત્યાંથી નાસી ગયા હતા. જેથી ફાતમાબેન માંડેવાલાનો ભાઈ અમીન તથા બીજા ઉપર જણાવેલા પાંચ માણસો તથા બીજા ૧૦થી ૧પ જેટલા તેમના મળતિયા માણસોએ ભેગા મળી ગેરકાયદેસરની મંડળી બનાવી અગાઉના ઝઘડાની અદાવત રાખી પથ્થરમારો કરી મને તથા ફરિયાદમાં જણાવેલા નઈમને શરીરે ઈજાઓ કરી હોવાથી તેઓ વિરૂદ્ધ કાયદેસર ફરિયાદ છે. ગાયકવાડ હવેલી પોલીસના ઈન્સ્પેક્ટર વી.જી.રાઠોડે આ ઘટના અંગે જણાવ્યું હતું કે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધીને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં અત્યારસુધી કુલ ૧૧ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.