શહેરના જમાલપુર શાક માર્કેટ છેલ્લા ૪૦ વર્ષથી શાકભાજીનો ધંધો કરતા શ્રમિકોએ મ્યુનિ.ના દબાણ ખાતા દ્વારા સતત એક વર્ષથી હેરાન કરવાનો અને હપ્તા ઊઘરાવવાનો છે આક્ષેપ મુક્યો છે. સવાર પડતા જ ૬ વાગ્યે એમની દબાણની ગાડી ન આવી હોય છતાં અમુક અસામાજિક તત્વો અને મ્યુનિ.ના દબાણ ખાતા વાળા અહિયા ધંધો કરતા શ્રમિકોને હેરાન કરે છે.જેઓ અગાઉ પણ મ્યુનિ.નું નામ લઇ બેસવાની જગ્યા આપવા માટે રૂા.૨૦ હજાર લઈ ગયા છે. આ મામલે સોમવારે જમાલપુરબ્રિજ નજીક પાથરણાવાળાઓએ હોબાળો કરી મ્યુનિ. અધિકારીઓ જપ્ત કરેલી વસ્તુઓ છોડાવવા પૈસા માંગતા હોવાનો પણ આક્ષેપ મુક્યો હતો. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ પાથરણવાળાઓના સમર્થનમાં પહોંચ્યા હતા અને ગરીબોને ન્યાય અપાવવા તંત્રમાં રજૂઆત કરવા ખાતરી આપી હતી.