(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૬
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉત્સવો, મેળાવડાઓ, મહાનુભાવોની સરભરા તથા વિવિધ કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહેતા હોવાથી પ્રજાકીય કામો વિસરાઈ રહ્યા છે. પ્રોજેક્ટના કામો તો ઠીક પણ ગટર, પાણી, રસ્તા જેવા પ્રજાકીય કામો વિલંબમાં પડતા પ્રજામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. પરિણામે સ્થાનિક કાઉન્સિલરોને પોતાના મત વિસ્તારની પ્રજાને જવાબો આપવા ભારે પડે છે. આથી આજરોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળેલી ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની મીટિંગનો જમાલપુર વોર્ડના કાઉન્સિલરોએ વિરોધ કરી જ્યાં સુધી પ્રજાકીય કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી મીટિંગનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.
જમાલપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરો ઈમરાન ખેડાવાલા, શાહનવાઝ શેખ, રઝિયા સૈયદ અને અઝરા કાદરીએ મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે બોલાવેલી મીટિંગમાં જવાનું ટાળ્યું હતું. આ અંગે કાઉન્સિલર ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે આજે બપોરે ૪ કલાકે જમાલપુર વોર્ડના મ્યુનિ. કાઉન્સિલરો સાથે પ્રજાના કામો અને અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવા અને આ મીટિંગ બોલાવવામાં આવી હતી. પરંતુ આ મીટિંગ માત્ર ઔપચારિક બની રહેવાની હોઈ અને બહિષ્કાર કર્યો હતો. અમદાવાદ મ્યુનિ. કો.ના તમામ ખાતાના અધિકારીઓને માત્ર ઉત્સવો અને મેળાઓ સહિતની અન્ય પ્રવૃત્તિઓમાં રસ હોવાથી તેઓ વોર્ડના પ્રજાના અગત્યના પ્રશ્નોના નિકાલ છેલ્લા ૪ માસથી કરતા નથી. મ્યુનિ. તંત્ર પ્રજાના હિતમાં સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યું છે તે સાબિત થાય છે. કાઉન્સિલરો દ્વારા પણ સૂચવેલ પ્રજાકીય કામો તેમજ અન્ય પ્રજાહિતના સૂચનો ઉપર કોઈપણ જાતનું ધ્યાન ધરાતું નથી કે અમલ કરવામાં આવતો નથી. વારંવાર ઉચ્ચ અધિકારીઓને મૌખિક અને લેખિત રજૂઆતો, અને ટેલિફોન કરી જાણ કરવી અને ઘણીવાર રૂબરૂ મુલાકાતો કર્યા પછી પણ પ્રજાના કામો જેવા કે સફાઈ, ડ્રેનેજ, પાણી, પથ્થરો, લાઈટ, રોગચાળો અન્ય પ્રાથમિક સુવિધાના કામોનો નિકાલ કરાતો નથી. રોજબરોજની ફરિયાદોનો નિકાલ ૬થી ૮ દિવસમાં કરવામાં આવે છે. અમોને મળેલ કાઉન્સિલર બજેટના પ્રજાના હિતના કામો સમયમર્યાદામાં થતા ન હોવાથી અમારે પ્રજાના રોષનો ભોગ બનવું પડે છે. આથી જ્યાં સુધી જમાલપુરના કાઉન્સિલરોએ સૂચવેલ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે તમામ અધિકારીઓ સાથેની મીટિંગનો બહિષ્કાર કરીશું.