(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
જમાતે ઇસ્લામી હિંદના પ્રમુખ સૈયદ જલાલુદ્દીન ઉમરીએ જણાવ્યંુ હતું કે, અમે કોમવાદ વિરૂદ્ધ જાહેર પહેલ તથા ટોળા હિંસાને સમાપ્ત કરવાને સમર્થન કરીએ છીએ. કોઇપણ સરકાર જાહેર મતને અવગણી ન શકે. દિલ્હીની કચેરીમાં પત્રકાર પરિષદને સંબોધતા ઉમરીએ જણાવ્યંુ હતું કે, જાહેર મતોથી ટોળાશાહીની ઘટનાઓને સારી રીતે લઇ શકાય અને આવી ઘટનાઓને રોકવા સરકાર પર દબાણ લાવી શકાય.
જમાતે ઇસ્લામી હિંદના મહાસચિવ મુહમ્મદ સલીમ એન્જિનિયરે જણાવ્યું હતું કે, ટોળા હિંસાની ઘટનાઓ જે રાજ્યોમાં બની છે તેવા સ્થળોને સંગઠને ઓળખી લીધા છે. હવે આ મુદ્દાઓને ઉઠાવવા માટે યોજના ઘડાઇ રહી છે. એન્જિનિયરે જણાવ્યું કે, ટોળા હિંસાની ઘટનાઓ માટે લીગલ સેલનું ગઠન કરવામાં આવશે. અત્યારસુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરમાં ટોળા હિંસાની ત્રણ વખત નિંદા કરી છે ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્યોને ગૌરક્ષકોનો ત્રાસ અટકાવવા કડક પગલાં લેવા સૂચન કર્યું છે. તેમણે ક્હ્યું કે, વડાપ્રધાને ટોળા હિંસાની ઘટનાઓને વખોડી છે છતાં જમીની વાસ્તવિકતામાં કોઇ ફેર પડ્યો નથી. આવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો કડક પગલાં લે તેવી માગ તેમણે કરી હતી. ભૂતકાળમાં પણ જમાતે ઇસ્લામી હિંદે અત્યાચારો, હિંસા અને કુદરતી આફતના ભોગ બનેલાઓ માટે મદદ કરી છે. વિવિધ પરિસ્થિતિમાં સંગઠને જુદા જુદા રાજ્યોમાં લોકોને મદદ કરી છે. ગુજરાતમાં ૨૦૦૨ના કોમી તોફાનો બાદ પણ સંગઠન કાર્યરત હતું જેમાં તેમણે તોફાનોનો ભોગ બનેલાઓને નાણાકીય, મકાનો બનાવવા અને રિપેરિંગ કરાવવા માટે મદદ કરી છે. ગુજરાતના તોફાનો અને બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પણ જમાતે ઇસ્લામી હિંદે પીડિતોને કાયદાકીય મદદ પુરી પાડી છે. આ ઉપરાંત સંગઠન આતંકવાદનો ભોગ બનેલાઓને પણ એપીસીઆર (નાગરિકના અધિકાર માટેનું સંગઠન) હેઠળ કાયદાકીય મદદ પુરી પાડી રહ્યું છે. આજ રીતે એપીસીઆર હેઠળ ગૌરક્ષકોના હુમલાનો ભોગ બનેલાઓને પણ કાયદાકીય મદદ પુર પાડવામાં આવનાર છે.