જંબુસર, તા.ર૧
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષો-અપક્ષો મળી કુલ ર૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં કેટલાક ઉમેદવારોએ પક્ષ વિરૂદ્ધ બળવો પોકારી અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાના સમાચાર સાંપડ્યા છે. પત્રો ભરવાનો અંતિમ દિવસ હોય સવારથી જ પ્રાંત અધિકારીની કચેરી જંબુસર ખાતે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તેમના ટેકેદારો સાથે આવી પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર છત્રસિંહ મૌરી પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરીએ આવી પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકી પોતાના ટેકેદારો સાથે પ્રાંત અધિકારી સમક્ષ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત કોંગ્રેસથી નારાજ થયેલા અને તાલુકા પીઢ કોંગી અગ્રણી સ્વ.મગનભાઈ સોલંકીના પુત્ર મહેશ સોલંકીએ એનસીપીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ દ્વારા તેમના ઉમેદવાર તરીકે છત્રસિંહ મૌરીને રીપીટ કરતાં ભાજપની નેતાગીરીથી નારાજ થયેલા આમોદ પાલિકાના વિરોધપક્ષેથી રાજીનામું આપનાર વિરલ પટેલ તથા આમોદના અને ભાજપના માજી જિલ્લામંત્રી પરેશ મહેતાએ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ખળભળાટ મચી છે. ભરૂચ જિલ્લા ભાજપના અગ્રણી અને માજી મંત્રી ખુમાનસિંહ વાંસીયાએ પણ ચૂંટણી જંગમાં અપક્ષ તરીકે ઝંપલાવતા ભાજપમાં હડકંપ મચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખુમાનસિંહ વાંસીયા ઉમેદવારી પત્ર ભરવા આવ્યા ત્યારે તેમની સાથે આમોદ તાલુકા શહેર ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરોની સૂચક ઉપસ્થિતિ હતી. કોંગ્રેસથી નારાજ થયેલ કોંગ્રેસના આઈટીસેલના પ્રમુખે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
સ્થાનિક ધારાસભ્ય છત્રસિંહ મોરીને રિપીટ કરાતા ભાજપમાં ભડકો
જંબુસર વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી છત્રસિંહ મોરીને સતત ૭મી વખત ઉમેદવારી નોંધાવત છત્રસિંહના વિરોધમાં ભાજપમાં ભડકો થયો હતો. જેમાં જિલ્લા ભાજપના માજી મંત્રી અને કારોબારી સભ્ય પરેશ મહેતા તથા આમોદ નગરપાલિકા વિપક્ષના નેતાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દઈ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
માજી મંત્રીએ પણ જંબુસર વિધાનસભા બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી
હાલના જિલ્લા ભાજપના અગ્રણી અને માજી મંત્રી તેમજ ભાજપના ખમંતીઘર કાર્યકર ખુમાનસિંહ વાંસીયાએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમજ તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, હું વર્ષોથી જનતાની સેવા કરતો આવ્યો છું અને જનતાની સેવા કરવા માટે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને જણાવ્યું હતું કે, હવે ઉમેદવારી પત્ર ભર્યા પછી પીછેહટ કરવાનો સવાલ નથી તેવી મક્કમતા બતાવી હતી.
BJP GO BACK હોર્ડિંસ હેઠળ
ભાજપના ઉમેદવારોના વિરોધમાં આમોદ પંથકમાં ઠેર-ઠેર બેનર લાગ્યા
આમોદ તાલુકામાં ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર વિરૂદ્ધ રોષ પ્રવર્તી રહ્યો છે અને લોકોની નારાજગી વચ્ચે પણ ભાજપે તેમના ઉમેદવારને સતત ૭મી વખત રિપિટ કરતાં આમોદ તાલુકાના ભાજપના કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિરોધ કરતાં બેનરો ગ્રામ્ય પંથકમાં લગાડેલા જોવા મળ્યા હતા.
જંબુસર બેઠક પર કોંગ્રેસ-ભાજપના બળવાખોરોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી

Recent Comments