અમદાવાદ, તા.૨
અમદાવાદ શહેરના હાથીજણના હીરાપુર પાસેના નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઝડપાયેલી આશ્રમ સંચાલિકા બંને સાધ્વીઓના રેગ્યુલર જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધા હતા. કોર્ટે બંને સાધિકાઓ તત્વપ્રિયા અને પ્રાણપ્રિયાને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. કોર્ટે બંને સાધિકાઓની જામીન અરજી ફગાવતાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ગુમ થયેલી યુવતીઓના પ્રકરણ અને સમગ્ર ગુનાની ગંભીરતા જોતા અરજદાર આરોપીઓ મહિલા હોવા છતાં તેઓને હાલના તબક્કે જામીન આપી શકાય તેમ નથી. કોર્ટે એવી પણ ટકોર કરી કે, જો સાધ્વી તત્વપ્રિયા અને પ્રાણપ્રિયાને જામીન આપવામાં આવે તો સમાજ પર અસર થાય તેમ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા બંને સાધિકાઓના જામીન ફગાવ્યા બાદ તેઓની મુશ્કેલી વધી છે. નિત્યાનંદ આશ્રમની સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની જામીન અરજીનો વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, ખૂબ જ સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ એવા આ કેસની તપાસ હજુ ચાલી રહી છે. આશ્રમમાંથી ગુમ થયેલી બે બહેનોની ભાળ હજુ મળી નથી, હાઇકોર્ટે આ બંને યુવતીઓને શોધી લાવવા માટે પોલીસ અને તપાસનીશ એજન્સીને હુકમ કરેલો છે ત્યારે સમગ્ર પ્રકરણમાં તપાસના કામે આરોપીઓની ભૂમિકા ઘણી મહત્ત્વની હોઇ હાલના સંજોગોમાં જ્યારે તપાસ નાજુક તબક્કામાં હોઇ તેઓને જામીન આપી શકાય નહીં. જો બંને સાધિકાઓને જામીન અપાય તો કેસની ચાલી રહેલી તપાસને ગંભીર અને વિપરીત અસર થશે. આ સંજોગોમાં કોર્ટે આરોપી સાધિકાઓની વચગાળાની જામીન અરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બંને સાધિકાઓની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હરીણી ચેલ્લાપ્પન ઉર્ફે માં નિથ્યા પ્રાણપ્રિયાનંદા (ઉ.વ.૩૦) તથા રિધી રવિકિરણ ઉર્ફે માં નિથ્યા તત્વાપ્રિયાનંદા (ઉ.વ.૨૪)ની ધરપકડ કર્યા બાદ મિર્ઝાપુર સ્થિત અમદાવાદ ગ્રામ્ય કોર્ટ રજૂ કરી ગુજરાત પોલીસે ૧૦ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આશ્રમની બંને સાધિકાઓના ૫ાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આશ્રમમાંથી ગુમ થયેલી બે બહેનોની ભાળ હજુ મળી નથી. હાઇકોર્ટે આ બંને યુવતીઓને શોધી લાવવા માટે પોલીસ અને તપાસનીશ એજન્સીને હુકમ કર્યો છે ત્યારે સમગ્ર પ્રકરણમાં તપાસના માટે આરોપીઓની ભૂમિકા ઘણી મહત્ત્વની બની શકે છે.